Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીને અનેક વખત લાફા ઝીંક્યાનો વિડીયો વાયરલ
મને ખૂબ વાગ્યું છે, મારા કાનને અસર થઈ છે : વિદ્યાર્થી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક સરકારી અધિકારીએ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને અનેક વખત લાફા ઝીંક્યા હતાં. જે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં પરીક્ષા દરમિયાન ભિંડ IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે ૧ એપ્રિલના રોજ દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં BSC બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને ઉપરાછાપરી અનેક લાફા માર્યા હતા.
વાયરલ વિડીયોમાં આ લાફો મારવા પાછળનું કારણ એક કાગળ હતું. વીડિયોમાં શ્રીવાસ્તવે વિદ્યાર્થીને બેન્ચ પરથી ઉભો કરી વારંવાર લાફા માર્યા અને પૂછી રહ્યા હતાં કે, તેનું પ્રશ્નપત્ર ક્યાં છે. અન્ય એક વીડિયોમાં તે વિદ્યાર્થીને બીજા રૂમમાં લઈ જતાં જોવા મળ્યા હતાં. જ્યાં ઉપસ્થિત એક વ્યક્તિને વિદ્યાર્થી તરફ ઈશારો કરી અમુક પેપર આપે છે. બાદમાં ફરી વિદ્યાર્થીને પૂછે કે, તારૂ પ્રશ્નપત્ર ક્યાં છે અને વધુ બે લાફા મારી દે છે. વિદ્યાર્થીને આટલા બધા લાફા મારવામાં આવતાં તેના કાન પર અસર થઈ હતી.
વિડીયો વાયરલ થતાં IAS અધિકારીની સ્પષ્ટતા
વીડિયો વાઈરલ થયા બાદ આઈએએસ અધિકારીની આકરી ટીકા થઈ રહી હતી. જેના પર સ્પષ્ટતા આપતાં શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમને કોલેજમાં માસ ચીટિંગ થઈ રહી હોવાની બાતમી મળી હતી. અમે જ્યારે કોલેજ પહોંચ્યા તો દરેક વિદ્યાર્થી શાંતિથી પરીક્ષા આપી રહ્યા હતાં. એક માત્ર આ વિદ્યાર્થી પાસે પોતાનું પ્રશ્નપત્ર ન હતું. તેને આકરા વલણ સાથે પૂછવામાં આવતાં તેણે સ્વીકાર્યું હતું કે, તેણે પ્રશ્રપત્ર બહાર મોકલાવ્યું હતું. જેથી તેના જવાબો મળી શકે અને તે ચોરી કરીને પરીક્ષા આપી શકે.
શ્રીવાસ્તવે આગળ કહ્યું કે, અન્ય એક વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વિદ્યાર્થીએ પોતાનું પ્રશ્નપત્ર બહાર મોકલાવ્યું હતું. મેં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. કોલેજ તેની વિરૂદ્ધ પગલાં લેશે. વિદ્યાર્થીને આ અંગે પૂછતાં તેણે કહ્યું કે, હું જ્યારે ટોઈલેટમાં ગયો હતો. ત્યારે મારૂ પ્રશ્નપત્ર મારા ટેબલ પર હતું. પરંતુ જ્યારે પાછો ફર્યો ત્યારે તે ત્યાંથી ગુમ હતું. એટલામાં જ જિલ્લા કલેક્ટર આવ્યા.
તેમણે એક-બે વિદ્યાર્થીના પ્રશ્નપત્ર ચકાસ્યા અને બાદમાં મારી પાસે આવ્યા. મારી પાસે પ્રશ્નપત્ર ન હોવાથી તેમણે મને ઉભો કર્યો અને બે વાર લાફા ઝીંકી દીધા. બાદમાં મને નીચે લઈ ગયાં અને ત્યાં લાફા માર્યા. મને ખૂબ વાગ્યું છે. મારા કાનને અસર થઈ છે. મેં કોઈ પ્રશ્નપત્ર બહાર મોકલ્યું નથી.