Last Updated on by Sampurna Samachar
ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે તેવા કોઇ પૂરાવા નહીં
ઈઝરાયલમાં અનેક જગ્યાએ મિસાઇલથી હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લાં આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જે હજું શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલે ઈરાનની ન્યૂક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ બંને દેશ એકબીજાને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે. પરંતુ, હવે જે વાત સામે આવી રહી છે, તે ખૂબ ચોંકાવનારી છે.
IAEA (ઈન્ટરનેશનલ એટૉમિક એનર્જી એજન્સી) ના ચીફ રાફેલ ગ્રોસીએ પોતાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. તેમનો દાવો હતો કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને હવે કહી રહ્યા છે કે, આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા.
ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો
IAEA ના ચીફ રાફેલ ગ્રોસીની પલટી મારતા કહ્યું કે, ‘એવો કોઈ પુરાવો નથી કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે.‘ નોંધનીય છે કે, IAEA ના રિપોર્ટ અને ગ્રોસીના નિવેદન બાદ જ ઈઝરાયલે હુમલા શરૂ કર્યા હતા. ઈરાને વળતો જવાબ આપવા ઈઝરાયલમાં અનેક જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. તેણે હોસ્પિટલને પણ નિશાનો બનાવી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગ્રોસીએ કહ્યું કે, ‘સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થઈ ગયું કે, જ્યાં-જ્યાં પરમાણુ પ્લાન્ટ પર ઈઝરાયલ હુમલો કરી રહ્યું છે, ત્યાં રેડિએશનના કોઈ પુરાવા નથી મળી રહ્યા.‘ દાવો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધમાં અમેરિકા પણ વચ્ચે કૂદી શકે છે. અમેરિકા ઈઝરાયલ સાથે છે અને તે ઈરાનને અનેકવાર ચેતવણી પણ આપી ચુક્યું છે.
ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈરાને કહ્યું કે, IAEA ના આ નિવેદનમાં બહુ મોડું થઈ ચુક્યું છે. કારણ કે, યુદ્ધ હવે શરૂ થઈ ચુક્યું છે. ઈરાનનો આરોપ છે કે, IAEA ના ખોટા રિપોર્ટના કારણે જ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે.