Last Updated on by Sampurna Samachar
હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા
મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ હૃદયની સર્જરી કરાવ્યાના એક દિવસ પછી, જાહેરાત કરી છે કે, હું ટૂંક સમયમાં કામ પર પાછો ફરીશ. નોંધનીય છે કે, ૮૩ વર્ષીય મલ્લિકાર્જુન ખડગેને બેંગલુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના હૃદયમાં પેસમેકર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
ડૉક્ટરોએ સર્જરી બાદ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. હૃદયની સર્જરી બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ દ્વારા પોતાના સ્વાસ્થ્યની માહિતી આપી હતી. તેમણે લખ્યું, હું કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને સમર્થકોની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કરું છું. હું ટૂંક સમયમાં કામ પર પાછો ફરીશ. ખડગેના સ્વાસ્થ્ય અંગેના આ સમાચારથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહત અનુભવી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પરત ફરે તેવી પ્રાર્થના કરી છે.
કોંગી કાર્યકરો અને સમર્થકોમાં રાહતની લાગણી
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની થયેલી હૃદયની સર્જરી સફળ રહી છે. તેમના પુત્ર અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ માહિતી આપી હતી કે, મલ્લિકાર્જુન ખડગેની તબિયત સંપૂર્ણપણે સ્થિર અને સારી છે. પ્રિયાંક ખડગેએ X પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ડૉક્ટરોની સલાહ બાદ કોંગ્રેસ અધ્યક્ષને પેસમેકર ઇમ્પ્લાન્ટ કરાવવા માટે સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમની તબિયત સ્થિર છે.
મલ્લિકાર્જુન ખડગેના સ્વાસ્થ્ય અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂછપરછ કરી હતી. પીએમ મોદીએ પોતે આજે ખડગેના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી, જેની માહિતી તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ મારફતે આપી હતી. વડાપ્રધાન મોદી દ્વારા ખબર અંતર પૂછવામાં આવતા ખડગેએ પણ આ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. ખડગેની તબિયત સુધારા પર હોવાના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.