Last Updated on by Sampurna Samachar
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ પોતાના વિચારો રજૂ કર્યા
નિવૃત્તિ બાદ તેઓ કોઈ સરકારી પદ સ્વીકાર નહીં કરે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ૫૨માં ચીફ જસ્ટિસ બી. આર. ગવઈનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. નિવૃત્તિના પહેલા તેમણે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચાર પ્રગટ કર્યા. સામાજિક ન્યાય અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે નિવૃત્તિ બાદ તેઓ કોઈ પણ સરકારી પદ સ્વીકાર નહીં કરે.

જસ્ટિસ ગવઈએ કહ્યું કે તેઓ પહેલા ૧૦ દિવસ આરામ કરશે અને પછી આગળની યોજના પર વિચાર કરશે. તેમણે કહ્યું કે સમાજ સેવા તેમના લોહીમાં છે અને આદિવાસી વિસ્તારોમાં સામાજિક કાર્ય કરવાની ઈચ્છા છે.
યશવંત વર્મા કેસમાં કોઇ કોમેન્ટ ન કરી
જસ્ટિસ ગવઈએ સ્વતંત્ર ન્યાયતંત્ર મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોઈ જજ સરકારના પક્ષમાં ચુકાદો આપે તો તેનો અર્થ એ નથી કે તે સ્વતંત્ર નથી. કાયદા અને બંધારણના આધારે જ ચુકાદો આપવામાં આવે છે.
આ સિવાય તેમણે એસ. સી. અને એસ. ટી. અનામતમાં પણ ક્રીમી લેયર લાગુ કરવાની આવશ્યકતા પર વાત કરી. તેમણે કહ્યું કે અનામતનો લાભ જેમને જરૂર છે તેમના સુધી પહોંચવો જરૂરી છે. તેમણે સોશિયલ મીડિયા મુદ્દે કહ્યું કે સોશિયલ મીડિયા આજના સમયમાં સમસ્યા બની ગયું છે. અમે જે નથી કહેતા તે પણ બતાવવામાં આવે છે. માત્ર ન્યાયતંત્ર જ નહીં સરકાર અને અન્ય બંધારણીય સંસ્થાઓ પણ સોશિયલ મીડિયાના કારણે પ્રભાવિત થઈ રહી છે.
એક સવાલ દરમિયાન જ્યારે તેમને સવાલ કરાય કે જજના ઘરે પૈસા મળવાની સ્થિતિમાં FIR નોંધાવવી જોઈએ કે નહીં? ત્યારે CJI એ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરતાં કહ્યું કે યશવંત વર્મા કેસમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું કારણ કે આ મામલો હવે સંસદ પાસે છે.