Last Updated on by Sampurna Samachar
શશિ થરૂરે કોંગ્રેસની નારાજગી અંગે પુષ્ટિ કરતા જુઓ શુ કહ્યું
કોંગ્રેસ નેતા શશી થરૂરે ડેલિગેશન મિશન દરમિયાન PM મોદીના કર્યા વખાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે અંતર બહુ વધી રહ્યુ છે. જે આ વાતની પુષ્ટિ ખુદ શશિ થરૂર દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘મારા કેટલાક કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદ ચાલી રહ્યા છે. હું જાણું છું કે તમે બધા જાણો છો કે હું શું વાત કરી રહ્યો છું, કારણ કે તેમાંથી કેટલાક મુદ્દાઓ જાહેરમાં છે. પરંતુ હું અહીં તેના વિશે વાત કરીશ નહીં. હું આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સાથે યોગ્ય મંચ પર ઉઠાવીશ.
૧૯મી જૂને કેરળમાં નિલંબુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે, ‘હું મતદાનના દિવસે વધુ પડતું બોલીને પાર્ટીને મુશ્કેલીમાં મૂકવા માંગતો નથી. હું છેલ્લા ૧૬ વર્ષથી કોંગ્રેસ સાથે કામ કરી રહ્યો છું અને મારી પહેલી ચિંતા દેશનું હિત છે.
ટીકા કરતાં થરૂરને ભાજપના પ્રવક્તા ગણાવ્યા
નીલંબુર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારથી અંતર રાખવાના સવાલ શશી થરૂરે કહ્યું કે, ‘પાર્ટી નેતૃત્વએ મને ચૂંટણી પ્રચારનો ભાગ બનવા માટે કહ્યું ન હતું. તેઓએ (કેરળ કોંગ્રેસ નેતૃત્વ) મને ફોન કર્યો ન હતો. જો તેમણે મને ફોન કર્યો હોત, તો હું ચોક્કસ ગયો હોત. પરંતુ મને પ્રચારમાં જોડાવા માટે કોઈ નેતા તરફથી મિસ્ડ કોલ પણ મળ્યો નથી.
ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશેની સચોટ માહિતી વિશ્વ સુધી પહોંચાડવા માટે ડેલિગેશન મિશનમાં શશી થરૂરની પસંદગી થતાં કોંગ્રેસના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ શશી થરૂરની ટીકા કરી હતી કે, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે શશી થરૂરની ભલામણ ન કરી હોવા છતાં તેમની પસંદગી થઈ અને તેમના વિશ્વમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા શશી થરૂરે ડેલિગેશન મિશન દરમિયાન અનેક સ્થળોએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે એસ. જયશંકરને વિદેશ મંત્રી અને અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રી બનાવવાના ર્નિણય પર પણ આનંદ વ્યક્ત કર્યો હતો. આ બંને નેતા શશી થરૂરના સારા મિત્ર છે. ત્યારબાદ થરૂર સમય-સમય પર વડાપ્રધાન મોદી અને તેમના ર્નિણયોના વખાણ કરતાં જોવા મળ્યા હતા. ભારતના સર્વદળીય પ્રતિનિધિમંડળમાં સામેલ થરૂરે પનામામાં ૨૦૧૬ અને ૨૦૧૯ની સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી કોંગ્રેસ નેતા ઉદિત રાજ શશી થરૂરથી નારાજ થયા હતા. તેમણે ટીકા કરતાં થરૂરને ભાજપના પ્રવક્તા ગણાવ્યા હતા.