Last Updated on by Sampurna Samachar
દિગ્ગજ રોકાણકાર સુશીલ કેડિયાની માહોલ ભડકાવતી પોસ્ટ
મરાઠી ન બોલતાં કાર્યકર્તાઓએ દુકાનદારને માર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ એક મોટો રાજકીય અને સાંસ્કૃતિક વિવાદનું રૂપ લઈ ચૂક્યો છે. હવે આ વિવાદમાં કેડિયોનોમિક્સના સ્થાપક સુશીલ કેડિયા જેવા રોકાણકારો પણ કૂદી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, તેઓ મરાઠી નહીં શીખે. દિગ્ગજ રોકાણકાર સુશીલ કેડિયાએ સોશિયલ મીડિયા પર રાજ ઠાકરેને ટેગ કરીને એક પોસ્ટ કરી છે.
જેમાં તેઓએ લખ્યું છે કે, મુંબઈમાં ૩૦ વર્ષ રહ્યા પછી પણ મને મરાઠી બરાબર આવડતી નથી અને તમારા ખરાબ વર્તનને કારણે મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તમારા જેવા લોકોને મરાઠી માનુષની સંભાળ રાખવાનો દેખાડો કરવાની મંજૂરી છે ત્યાં સુધી, હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મરાઠી નહીં શીખું. શું કરવું છે બોલ?
આ ઘટના પર અનેક તીખી રાજકીય પ્રતિક્રિયાઓ
સુશીલ કેડિયાનું આ નિવેદન એક વાયરલ વીડિયો બાદ આવ્યું છે, જેમાં મીરા રોડ ખાતે એક દુકાનદાર પર કથિત રીતે મરાઠીમાં વાત ન કરવા પર હુમલો કરવામાં આવ્યો હતો. MNS કાર્યકર્તાઓએ આ દુકાનદાર પર હુમલો કર્યો હતો. મુંબઈના મીરા રોડ ખાતે એક દુકાનદાર પર થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો, કારણ કે દુકાનદારે કથિત રીતે મરાઠીમાં વાત કરવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને વીડિયો વાયરલ થઈ ગયો હતો.
આ ઘટના બાદ દુકાનદાર બાબુલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમને મરાઠી નથી આવડતી, જેના કારણે તેમની દુકાન પર આવેલા કેટલાક લોકોએ તેમને માર માર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમની દુકાનમાં કામ કરતા કામદારો અન્ય રાજ્યોમાંથી આવેલા છે અને તેઓ મરાઠી જાણતા નથી, જેના કારણે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ ઘટના પર અનેક તીખી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાજ્યના મંત્રી યોગેશ કદમે કહ્યું, “મહારાષ્ટ્રમાં તમારે મરાઠી બોલવું જ પડે. જો તમને મરાઠી નથી આવડતી, તો તમારો અભિગમ એવો ન હોવો જોઈએ કે તમે મરાઠી નહીં બોલો. જો મહારાષ્ટ્રમાં કોઈ મરાઠીનું અપમાન કરશે, તો અમે અમારા કાયદા લાગુ કરીશું.” જોકે, કદમે હિંસાની નિંદા કરતાં કહ્યું કે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈતી હતી.