Last Updated on by Sampurna Samachar
RSS ની પ્રાર્થના મુદ્દે ડી.કે.શિવકુમારનું નિવેદન
કોંગ્રેસના નેતાઓએ આ મામલે વાંધો ઉઠાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે વિધાનસભામાં RSS ની શાખામાં ગવાતી પ્રાર્થના ગાતા કોંગ્રેસમાં જ આંતરિક વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતાઓએ આ મામલે વાંધો ઉઠાવ્યા બાદ શિવકુમારે સ્પષ્ટતા કરવી પડી છે. તેમનું કહેવું છે કે, મેં વિધાનસભામાં ભાજપ પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ મામલે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને દુ:ખ પહોંચ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું.
શિવકુમારે કહ્યું છે કે, ‘મેં RSS ની શાખામાં ગવાતી પ્રાર્થના વિધાનસભામાં સંભાળવવા મામલે ટિપ્પણી કરી હતી, જો આ ટિપ્પણીથી કોંગ્રેસ નેતાઓ અથવા વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને દુ:ખ થયું પહોંચ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું. મેં ભાજપ પર નિશાન સાધવા માટે મજાકમાં ટિપ્પણી કરી હતી, પરંતુ કેટલાક લોકો મારા નિવેદનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
હું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતો નથી
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નહતો અને જો તેમની ટિપ્પણીથી તેમના સાથી પક્ષોને દુ:ખ પહોંચ્યું હોય તો તેમણે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ‘મેં માત્ર ટિપ્પણી કરીને તેમના (ભાજપ) પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારા કેટલાક મિત્રો રાજકીય વિવાદ ઉભો કરી રહ્યા છે, મારા નિવેદનનો ઊંધો અર્થ કાઢીને પ્રજામાં ખોટો ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હું તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી. જો કોઈને દુ:ખ થયું હોય તો હું તે મારે દુ:ખી છું અને હું તમામની માફી માંગવા ઈચ્છું છું.’તેમણે વધુમાં કહ્યું કે, ‘જો તમને લાગે છે કે, મેં કોઈ ભૂલ કરી છે, જે મેં કરી નથી, તો હું માફી માંગવા માટે તૈયાર છું.’ પાર્ટી પ્રત્યેની વફાદારી દર્શાવતા તેમણે કહ્યું કે, ‘ગાંધી પરિવાર પર કોઈ સવાલ ન ઉઠાવી શકે, હું જન્મથી જ કોંગ્રેસી છું. હું કોંગ્રેસમાં રહીને જ મરીશ. વિવિધ પક્ષોમાં મારા અનેક અનુયાયી અને મિત્રો છે. હું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. હું કોઈનાથી પણ મોટો નથી, મારું જીવન બધાને શક્તિ આપવા માટે છે. હું તમામ લોકોની મુશ્કેલીમાં તેમની સાથે ઉભો રહ્યો છું, અને હજુ પણ તેમની સાથે છું.’
૨૧ ઓગસ્ટના રોજ કર્ણાટક વિધાનસભામાં ‘ચિન્નાસ્વામી નાસભાગ’ મામલે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન શિવકુમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગવાતી પ્રાર્થના ‘નમસ્તે સદા વત્સલે…’ની કેટલીક પંક્તિઓ સંભળાવી હતી.
ત્યારબાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી.કે.હરિપ્રસાદે વાંધો ઉપાડીને કહ્યું હતું કે, ‘શિવકુમાર વિધાનસભામાં RSS ની પ્રાર્થના સંભળાવીને કોઈને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને નાયબ મુખ્યમંત્રી તરીકે શિવકુમાર દ્વારા પ્રાર્થના સંભળાવાવમાં કોઈ વાંધો નથી, કારણ કે સરકાર તમામની હોય છે, RSS ની પણ… જો તેમણે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે આવું કર્યું છે, તો તેમણે માફી માંગવી પડશે.’