Last Updated on by Sampurna Samachar
રાન્યા રાવે પચે નહીં તેવી વાત કરી
પહેલી વાર જ સોનાની દાણચોરી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈથી અંદાજે રૂ. ૧૪ કરોડના ગોલ્ડની દાણચોરી કરનારી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે કેસમાં ફરી એકવાર ગળે ન ઉતરે તેવો ખુલાસો કર્યો છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રચલિત અભિનેત્રી અને IPS અધિકારીની પુત્રી રાન્યા રાવે અધિકારીઓને જણાવ્યું કે, તેણે આ પહેલી વાર જ સોનાની દાણચોરી કરી હતી અને તેને છુપાવવા માટેની રીત યુટ્યૂબ પરથી શીખી હતી. અગાઉ તેણે તદ્દન વિપરિત નિવેદન આપ્યું હતું કે, તેને ડરાવી-ધમકાવી તેની પાસેથી સોનાની દાણચોરી કરાવવામાં આવી હતી.
મીડિયા સૂત્રો અનુસાર, રાવે જણાવ્યું હતું કે, મેં દાણચોરીની રીત યુટ્યૂબ પરથી શીખી હતી, ત્યારબાદ હું ટેક્નિકનો અમલ કરી દુબઈથી સોનાની દાણચોરી કરી હતી. આ દાણચોરી મેં પ્રથમ વખત જ કરી હતી. અગાઉ ક્યારેય મેં દાણચોરી કરી નથી. રાવનુ આ નિવેદન તેના પહેલાં નિવેદનથી તદ્દન વિપરિત છે. જેથી રાન્યા પોલીસ અધિકારીઓને ગોળ-ગોળ ફેરવી રહી હોવાનો સંકેત મળ્યો છે.
છેલ્લા ૧૫ દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી
રાન્યા રાવ પર આરોપ છે કે, તેણે અમુક વિદેશી દાણચોરો સાથે મળી સોનાની દાણચોરી કરી હતી. જેને છુપાવવા માટે ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. જ્યારે રાન્યાએ દાવો કર્યો છે કે, આ ગતિવધિમાં તે અજાણતા જ સંડોવાઈ છે. તેને દાણચોરી કરવા માટે ડરાવવામાં આવી હતી. જોકે, રાન્યા રાવનો આ દાવો ગળે ઉતરી રહ્યો નથી કે, તેણે પ્રથમ વખત સોનાની દાણચોરી કરી છે. કારણકે, DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) પાસે પુરાવા છે કે, રાન્યા છેલ્લા ૧૫ દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી.
રાન્યા રાવ જ્યારે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતરી ત્યારે તે માથાથી પગ સુધી સોનાથી લાદેલી હતી. પુષ્કળ પ્રમાણમાં સોનું પહેર્યું હતું. ગત વર્ષે તે ૩૦ વખત દુબઈ ગઈ હતી. અને પ્રત્યેક ટ્રીપમાં કિલોથી વધુ સોનું લાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, તે કથિત રીતે દરેક ટ્રિપ મારફત ૧૨થી ૧૩ લાખ રૂપિયાની કમાણી કરી રહી હતી. તેને સોનાની દાણચોરીના કિલોદીઠ રૂ. ૧ લાખ મળતા હોવાની બાતમી છે. ઉલ્લેખનીય છે, રાન્યા રાવ વિરૂદ્ધ CBI તપાસની માંગની અરજી ફગાવાઈ દેવામાં આવી છે.