Last Updated on by Sampurna Samachar
હરણી રોડ પર શ્રમજીવી મહિલાનો આપઘાત
ઘટનાની ચોંકાવનારી વિગત એ છે કે ધનતાબેન અવારનવાર ઘર નજીક આવેલા મંદિર પાસેના ઝાડ પર લાકડા કે ડાળખીઓ કાપવા માટે ચડતા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના હરણી રોડ પર આવેલી વિજયનગર વસાહત પાસે એક શ્રમજીવી મહિલાએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.નિધિ ફ્લેટ પાછળ રહેતા ચુનારા પરિવારની આ મહિલાના આપઘાતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. વારસિયા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, હંસમુખભાઈ ચુનારા જૂના સોફા ખરીદી તેને રિપેર કરીને વેચવાનો વ્યવસાય કરે છે. તેના પત્ની ધનતાબેન પણ આ કામમાં પતિને પૂરતી મદદ કરતા હતા. સોમવારે (૧૬મી માર્ચ) જ હંસમુખભાઈ હૈદરાબાદથી અઢી લાખ રૂપિયાની કિંમતની બકરી અને તેનું બચ્ચું ખરીદીને લાવ્યા હતા.
લાંબો સમય સુધી હલચલ ન જણાતા કરી તપાસ
પરિવારમાં બધું સામાન્ય જણાતું હતું, પરંતુ મંગળવાર (૧૭મી માર્ચ)ની સવારે ધનતાબેને આત્યંતિક પગલું ભરી લીધું હતું.ઘટનાની ચોંકાવનારી વિગત એ છે કે ધનતાબેન અવારનવાર ઘર નજીક આવેલા મંદિર પાસેના ઝાડ પર લાકડા કે ડાળખીઓ કાપવા માટે ચડતા હતા. આજે સવારે પણ જ્યારે તેઓ ઝાડ પર હતા, ત્યારે આસપાસના લોકોને એમ જ લાગ્યું કે તેઓ હંમેશની જેમ ડાળખીઓ કાપી રહ્યા છે.
જોકે, લાંબો સમય સુધી હલચલ ન જણાતા તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે તે જ ઝાડ પર ફાંસો ખાઈ લીધો છે.બનાવની જાણ થતા જ વારસિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ હાલ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે જેથી આપઘાત પાછળના સાચા કારણોનો ઘટસ્ફોટ થઈ શકે.