Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને શુભેચ્છા પાઠવી
રહેમાનની પાર્ટીવાળા ગઠબંધને ૨૦૯ સીટો જીતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને પ્રચંડ જીત મળ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં આ જીતને બાંગ્લાદેશની જનતાના તેમના નેતૃત્વ પર અટલ વિશ્વાસ તરીકે વર્ણવી છે.

વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે, “સંસદીય ચૂંટણીમાં BNP ને નિર્ણાયક જીત અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ જીત તમારા નેતૃત્વમાં બાંગ્લાદેશની જનતાના ભરોસાને દર્શાવે છે.” તેમણે આગળ કહ્યું કે, ભારત એક લોકશાહી, પ્રગતિશીલ અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં ઊભું રહેશે અને બંને દેશોના વિકાસના લક્ષ્યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.
જાતીય સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી હાંસલ કરી લીધી
શેખ હસીનાની સરકાર પડ્યા પછી આ બાંગ્લાદેશમાં પહેલી મોટી ચૂંટણી હતી. ૧૭ વર્ષના વનવાસ બાદ તારિક રહેમાનની પાર્ટીની સત્તામાં વાપસી દક્ષિણ એશિયાની રાજનીતિ માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ છે. ભારતે આ શુભેચ્છા સંદેશ દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે નવી સરકાર સાથે પણ મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપશે.
અત્રે ઉલ્લેખનીય કે, બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું અને મતગણતરી શરૂ થઈ ગઈ હતી. અત્યાર સુધી જે પરિણામો સામે આવ્યા છે, તેમાં રહેમાનની પાર્ટીવાળા ગઠબંધને ૨૦૯ સીટો જીતીને ૩૦૦ સભ્યોવાળી જાતીય સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે.
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ચૂંટણીમાં જીતનો દાવો કરીને દેશવાસીઓને અભિનંદન આપ્યા છે, પરંતુ સમર્થકોને જશ્ન ન મનાવવાની અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે વિજય ઉત્સવના બદલે કાર્યકરો અને સમર્થકો આખા દેશમાં નમાઝ અદા કરે અને પૂર્વ વડાપ્રધાન ખાલેદા જિયાને યાદ કરે.