Last Updated on by Sampurna Samachar
ભાજપના મહિલા નેતાના દિવ્યાંગ મહિલા સાથેના અભદ્ર વર્તનથી વિવાદ
મહિલા નેતાને નોટિસ પાઠવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જબલપુરના ભાજપ નગર ઉપાધ્યક્ષ અંજૂ ભાર્ગવ સામે ભાજપે કડક વલણ અપનાવ્યું હોવાનુ સામે આવ્યું છે. ધર્માંતરણના મુદ્દાની વચ્ચે એક દિવ્યાંગ મહિલા સાથે વિવાદ અને અપશબ્દ કહેવાના કારણે અંજૂ ભાર્ગવને કારણ જણાવો નોટિસ પાઠવવામાં આવી છે.

ભાજપ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે પ્રકારે દ્રષ્ટિહીન મહિલા સાથે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અશોભનીય છે અને ભાજપ તેનું સમર્થન કરતું નથી. બીજી બાજુ કોંગ્રેસે દિવ્યાંગ મહિલા સાથે કરેલી અશોભનીય ટિપ્પણી પર ભાજપ નેતાને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે.
ભાજપના નેતાઓની કથની અને કરનીમાં અંતર
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયો પર કાર્યવાહી કરતા પાર્ટીએ અંજૂ ભાર્ગવ દ્વારા દ્રષ્ટિહીન મહિલા સાથે અભદ્રતા કરવામાં આવી છે અને ત્યાં હાજર બ્લાઇંડ મહિલાને એવું કહે છે કે, ‘તું આ જન્મમાં અંધ બની છે અને આગલા જન્મમાં પણ અંધ જ બનીશ. માંગમાં સિંદૂર ભરે છે અને બાળકોને ઇસાઈઓ વચ્ચે શું કરવા લઈને આવે છે?‘
ત્યાર બાદ ભાજપે કારણ જણાવો નોટિસ પાઠવી ૭ દિવસમાં જવાબ માંગ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ૭ દિવસમાં તમારો જવાબ પાર્ટીને સ્પષ્ટ કરો નહીંતર પાર્ટી યોગ્ય કાર્યવાહી કરશે. આ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયોના માધ્યમથી એ જાણકારી મળી છે કે, તમે દ્રષ્ટિહીન મહિલા સાથે વિવાદિત અને અશોભનીય શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. તમે ભાજપના જવાબદાર પદાધિકારી છો, જેની પાસેથી આ પ્રકારના વ્યવહાર અને કૃત્યોની કલ્પના ન કરી શકાય. ૭ દિવસની અંદર ઘટનાના સંદર્ભે સ્પષ્ટીકરણ રજૂ કરો.
કોંગ્રેસના નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, ભાજપ શહેરમાં સાંપ્રદાયિકતા ફેલાવવાનું કામ કરે છે. ભાજપના નેતાઓની કથની અને કરનીમાં અંતર છે. જે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ એક મહિલા છે, તેમ છતા તેઓ દિવ્યાંગ યુવતીને અશોભનીય વાતો કહી રહ્યા છે. કોંગ્રેસ જે પણ ગંગા-જમના તહેઝીબના ખંડિત કરશે તેની સામે કોર્ટમાં જઈને ન્યાય અપાવવાનું કામ કરશે.