Last Updated on by Sampurna Samachar
વડોદરામાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો
પોલીસ ફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં પત્નીના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક યુવાને પોતાના ઘરે પંખા પર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક સઈદ બેલીમના પિતાએ તેમની પત્ની મુસ્કાન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવ્યો છે, જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પિતાએ પોતાના નિવેદનમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, લગ્ન બાદ સઈદ અને મુસ્કાન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

મહત્વનું છે કે, મુસ્કાન કલાકો સુધી કોઈક અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરતી હતી. કોલ ડીટેઈલ કઢાવતા કોઈ અન્ય પુરૂષના નંબરની શંકાના આધારે આ ઝઘડાઓ વધુ વકર્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે, આપઘાત પહેલા સઈદે પોતાના પિતાને વોટ્સઅપ મેસેજ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું, ‘પાપા આ લોકોથી હું ખુબ પરેશાન છું, મુસ્કાન અને પરિવારથી પરેશાન છું, હું મરી જાઉં છું.‘
પુત્રના મોત માટે પૂત્રવધૂ જવાબદાર
પિતાએ આક્ષેપ કર્યો કે મુસ્કાન સઈદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી, જેના ત્રાસથી સઈદે અંતિમ પગલું ભર્યું. મૃતકના પિતાએ કડક શબ્દોમાં માંગણી કરી છે કે, તેમના પુત્રના મોત માટે જવાબદાર મુસ્કાનને કડક સજા થવી જોઈએ.