Last Updated on by Sampurna Samachar
કુબેરનગરમાં મંદિરના પૂજારીએ જીવન ટુંકાવ્યુ
પૂજારીના પુત્ર બ્રિજેશનો તંત્ર પર આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં આવેલા સંતોષી માતાના મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ મિણેકરે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મંદિરના પૂજારીના પુત્રએ આ મામલે મોટો દાવો કર્યો છે કે, બિલ્ડરના ત્રાસને કારણે પિતાએ જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર શહેરના કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી. મહંતના પુત્રએ એવું પણ જણાવ્યું છે કે, મંદિરને તૂટતું બચાવવા અને દબાણને કારણે પિતાએ આપઘાત કર્યો છે. આ બનાવ બાદ પોલીસ (POLICE) ની ટીમ પણ સ્થળ પર પહોંચીને લઘુ કાર્યવાહી કરી છે.
પૂજારીના આપઘાત કેસમાં પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી AMC ઘણી વખત બંદોબસ્ત માંગતું હતું. પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જળવાય એટલો જ હોય છે. AMC બંદોબસ્ત માંગે એટલે પોલીસ બંદોબસ્ત આપે છે. કોઈને ડરાવવા અને ધમકાવવાનો પોલીસનો ઉદ્દેશ્ય નથી હોતો. આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે.
પુજારીએ ત્રણ પાનાની અંતિમ ચિઠ્ઠી લખી
આ અંગે પૂજારીના પુત્ર બ્રિજેશે જણાવ્યું છે કે, “અમારે બિલ્ડરનો દબાવ હતો. છેલ્લા ચાર વર્ષથી અમને પોલીસ તંત્ર, કોર્પોરેશન અમને હેરાન કરી રહ્યા છે. જેના કારણે મારા પિતાએ અંતિમ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવી લીધું છે.” તો બીજી બાજુ મૃતક પૂજારીએ પોતાનું જીવન ટૂંકાવ્યા પહેલા ત્રણ પાનાની અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, “મારા મંદિરની અધૂરી લડાઈ મારા પુત્ર બ્રિજેશને શિરે ઘરી જાઉં છું. મારા દીકરા મારી અધૂરી લડાઈ લડજે.
આ જન્મભૂમિને બચાવવા તું ધર્મની લડાઈ લડજે. આ પાવનભૂમિ મારા માતાપિતા એટલે તારા દાદા-દાદીની ભક્તિની ગંગાની પાવન ભૂમિ છે. આ અમારી જ માલિકીની છે.”