Last Updated on by Sampurna Samachar
૧૦૦ વર્ષની માતાએ ભરણપોષણ મેળવવા કોર્ટમાં આવવુ પડે !!
કોર્ટમાં જજ વૃદ્ધ માતાના દિકરાની અરજી પર નારાજ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળ હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, જો કોઈ માતાને એકથી વધુ સંતાન છે તો તેને આધાર બનાવીને દીકરો ભરણપોષણ આપવાનો ઈનકાર ન કરી શકે. હાઇકોર્ટે નીચલી અદાલતના ર્નિણય સામે અપીલકર્તા દીકરાની અરજીને રદ કરતાં કહ્યું કે, અન્ય બાળકોની હાજરી ભરણ પોષણ ન આપવા માટેનો વાજબી બચાવ નથી.

જસ્ટિસ પી.વી કુન્હીકૃષ્ણનને આવા એક દીકરાની અરજી રદ કરી હતી. ફેમિલી કોર્ટ દ્વારા તેને પોતાની ૧૦૦ વર્ષની માતાને ફક્ત ૨૦૦૦ રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. જેનાથી બચવા તેણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. પરંતુ, કોર્ટે અરજદારના એ તર્કનો અસ્વીકાર કરી દીધો કે, માતા એક બીજા દીકરા સાથે રહે છે અને તેમના બીજા બાળકો છે, જે ભરણ પોષણ કરવામાં સક્ષમ છે.
ભરણપોષણ મેળવવા માટે સાક્ષીઓ લાવવા પડે
આ મુદ્દે જસ્ટિસ કુન્હીકૃષ્ણનને દીકરાના તર્ક પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, શરમ આવવી જોઈએ. ૧૦૦ વર્ષની વૃદ્ધ અને લાચાર માતાને ફક્ત ૨૦૦૦ રૂપિયા ન આપી શકો. તેમણે પોતાના આદેશમાં લખ્યું કે, ભરણપોષણ માટે અરજી દાખલ કરતી વખતે અરજદારની માતા ૯૨ વર્ષની હતી. હવે તે ૧૦૦ વર્ષની થઈ ચૂકી છે અને પોતાના દીકરા પાસે ભરણપોષણની આશા રાખી રહી છે! મને કહેતા શરમ આવે છે કે, હું આ સમાજનો સભ્ય છું, જ્યાં દીકરો પોતાની ૧૦૦ વર્ષની માતાને ફક્ત ૨૦૦૦ રૂપિયા માસિક ભરણપોષણ આપવાનો ઇન્કાર કરવાના કારણે કોર્ટમાં કેસ લડી રહ્યો છે.
જસ્ટિસ કુન્હીકૃષ્ણનને અરજી રદ કરતાં નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, અમને વાતથી પણ દુ:ખ છે કે, ૧૦૦ વર્ષીય વૃદ્ધ માતાએ પોતાના દીકરાના ભરણપોષણ મેળવવા માટે સાક્ષીઓ લાવવા પડે છે અને કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફેમિલી કોર્ટે ૨૦૨૨માં ભરણપોષણનો આદેશ આપ્યો હતો, તેમ છતાં અરજદારે પોતાની માતાને ચૂકવણી ન કરી અને તેની સામે મહેસૂલ વસુલીની કાર્યવાહી શરુ કરી દીધી.