Last Updated on by Sampurna Samachar
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો મહત્વનો મોટો ચૂકાદો
૨૦ અઠવાડિયાથી ઓછા ગર્ભને પાડવાની મંજૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મહિલાને બાળકોના જન્મ આપવાના અધિકારને લઈને એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે એક પરિણીત મહિલાને ગર્ભપાત કરાવવા માટે પતિની સહમતિની કોઈ જરૂરિયાત નથી. હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં ખાલી મહિલાની ઈચ્છા મહત્ત્વની છે.

આ અરજી પંજાબના ફતેહગઢ સાહિબની એક ૨૧ વર્ષીય મહિલાએ દાખલ કરી હતી. મહિલાના લગ્ન આ વર્ષે થયા હતા, પણ પતિ સાથે તેના સંબંધ તણાવભર્યા રહેતા હતા. તે તેનાથી અલગ રહેતી હતી. આ દરમિયાન તે ગર્ભવતી થઈ અને છૂટાછેડાની કાર્યવાહીના કારણે તે બાળકને જન્મ આપવા નહોતી માગતી. જ્યારે તેણે ગર્ભપાતની માંગ કરી તો કાનૂની સવાલ એ આવ્યો કે શું તેના માટે તે અલગ રહેતા પતિની મંજૂરી જરૂરી છે?
મહિલા આ મૂલ્યાંકન કરવા માટે સૌથી સારી જજ
હાઈકોર્ટના આદેશ પર PGIMER ચંડીગઢના ડોક્ટરના એક બોર્ડે મહિલાની તપાસ કરી. ૨૩ ડિસેમ્બરના રોજ સોંપેલી રિપોર્ટમાં જણાવ્યું છે કે મહિલાનો ગર્ભ ૧૬ અઠવાડિયા અને એક દિવસનો છે. ડોક્ટરે એવું પણ કહ્યું કે, છૂટાછેડાની કાર્યવાહીના કારણે મહિલા છેલ્લા છ મહિનાથી ગંભીર ડિપ્રેશન અને તણાવથી ઝઝૂમી રહી છે. બોર્ડે તેને ગર્ભપાત માટે મેડિકલ અને માનસિક રીતે ફિટ જાહેર કરી હતી.
જસ્ટિસ સુવીર સહગલની પીઠે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે MTP એક્ટ અંતર્ગત ૨૦ અઠવાડિયાથી ઓછા ગર્ભને પાડવાની મંજૂરી છે. જસ્ટિસ સહગલે કહ્યું કે, એક વિવાહિત મહિલા આ મૂલ્યાંકન કરવા માટે સૌથી સારી જજ છે કે તે ગર્ભાવસ્થાને ચાલું રાખવા માંગે છે કે નહીં. તેમાં ખાલી તેની મરજી અને ઈચ્છા મહત્ત્વ ધરાવે છે. કોર્ટે મહિલાની અરજીનો સ્વીકાર કરતા તેને આગામી એક અઠવાડિયાની અંદર PGIMER અથવા કોઈ અન્ય અધિકૃત હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે.