Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે મહિલાની અપીલ સ્વીકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પતિ – પત્નીના અલગ થયા બાદ પતિએ ભરણ પોષણ આપવું એ CRPC ની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણનો અધિકાર પત્નીને આપવામાં આવતો લાભ નથી પરંતુ પતિની કાનૂની અને નૈતિક જવાબદારી છે. ત્યારે આ ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય કર્યો છે.
કોર્ટે કહ્યું કે જો મહિલાના પહેલા લગ્ન કાનૂની રીતે ખતમ થયા ના હોય તો પણ તે તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મહિલા અને તેના પહેલા પતિ પરસ્પર સંમતિથી અલગ થયા હોય, તો કાયદેસર છૂટાછેડા ના થવા તેને બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાથી રોકી શકતો નથી.
તેલંગાણા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો જેમાં CRPC ની કલમ ૧૨૫ હેઠળ મહિલાને તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ અપાવવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે મહિલાએ તેના પહેલા પતિ સાથે કાનૂની રીતે લગ્ન તોડી નાખ્યા ન હતા. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે મહિલાની અપીલ સ્વીકારી લીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
કોર્ટે કહ્યું, એ યાદ રાખવું જોઈએ કે CRPC ની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણનો અધિકાર પત્નીને આપવામાં આવતો લાભ નથી પરંતુ પતિની કાનૂની અને નૈતિક જવાબદારી છે. અપીલકર્તા મહિલાએ આ કેસમાં બીજા પુરુષ અને પ્રતિવાદી સાથે તેના પહેલા પતિને ઔપચારિક રીતે તલાક આપ્યા વિના શાદી કરી હતી. પ્રતિવાદીને મહિલાની પહેલી શાદીની જાણ હતી. બંને સાથે રહેતા હતા અને તેમને એક બાળક પણ હતું, પરંતુ કલેસને કારણે તેઓ અલગ થઈ ગયા. હવે મહિલાએ CRPC ની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણની માંગણી કરી હતી, જેને ફેમિલી કોર્ટે સ્વીકારી લીધી હતી.
બાદમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો કારણ કે પહેલી શાદી કાયદેસર રીતે ખતમ થઇ ન હતી. પ્રતિવાદીનો તર્ક છે કે મહિલાને તેની પત્ની માની શકાય નહીં કારણ કે મહિલાની તેના પહેલા પતિ સાથેની શાદી કાનૂની રીતે ખતમ થઇ નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યારે પ્રતિવાદી-બીજા પતિને મહિલાના પહેલી શાદીની જાણ હતી. આવી સ્થિતિમાં તે ફક્ત એટલા માટે ભરણપોષણ ચૂકવવાનો ઇનકાર કરી શકે નહીં કારણ કે મહિલાની પહેલી શાદી કાયદેસર રીતે સમાપ્ત નથી થઇ.
કોર્ટે બે તથ્યો પર ભાર મૂક્યોઃ પ્રથમ, પ્રતિવાદીનો કેસ એવો નથી કે સત્ય તેનાથી છુપાવવામાં આવ્યું હતું. ફેમિલી કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રતિવાદી અપીલકર્તા નંબર ૧ ના પહેલા લગ્નથી સંપૂર્ણપણે વાકેફ હતા. પ્રતિવાદીએ અપીલકર્તા ૧ સાથે એક વાર નહીં પણ બે વાર લગ્ન કર્યા, પરંતુ આ બાબતની સંપૂર્ણ જાણકારી હતી.
કોર્ટે કહ્યું, બીજું, અપીલકર્તા ૧ એ પહેલા પતિથી અલગ થવા માટે આ કોર્ટ સમક્ષ એક એમઓયુ રજૂ કર્યો છે. આ તલાકનો કાનૂની પુરાવો નથી, પરંતુ આ દસ્તાવેજ અને અન્ય પુરાવા દર્શાવે છે કે બંને પક્ષોએ સંબંધનો અંત લાવી દીધો છે અને અલગ રહી રહ્યા છે. ઉપરાંત અપીલકર્તા ૧ તેના પહેલા પતિ પાસેથી ભરણપોષણ માંગી રહી નથી. આવી સ્થિતિમાં અપીલકર્તા કોઈ કાનૂની દસ્તાવેજના અભાવે તેના પહેલા પતિથી અલગ થઈ ગઈ છે અને તેને તે શાદીથી કોઈ અધિકાર મળી રહ્યો નથી.