કોલકાત્તા હાઇકોર્ટે છૂટાછેડાની મંજૂરી આપી આપ્યો ચુકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દીકરીના પરિવારજનો અથવા મિત્રો લાંબા સમય સુધી દીકરીના સાસરે રહેવું એ પણ ક્રૂરતા છે. કોલકાત્તા હાઇકોર્ટે ૧૯ ડિસેમ્બરના રોજ આ આધાર પર એક વ્યક્તિને છૂટાછેડાની મંજૂરી આપી દીધી હતી.
કોર્ટે ચૂકાદો આપતાં કહ્યું કે, પતિની મરજી વિરુદ્ધ પત્નીના મિત્રો અથવા પરિવારજનોનું લાંબા સમય સુધી તેમના ઘરમાં રહેવું ક્રૂરતા છે. ઘણી વખત આવા સંજોગોમાં જ્યારે પત્ની પોતે ઘરમાં હાજર ન હોય ત્યારે પરિવારજનોની હાજરીથી અરજદારના જીવન પર ઊંડી અસર પડી હશે. મહિલાના પતિએ લગ્નના ત્રણ વર્ષ બાદ જ ૨૦૦૮માં છૂટાછેડાની ફાઇલ કરી હતી.
આ બંનેના લગ્ન પશ્ચિમ બંગાળના નાબાદ્વીપમાં થયા હતા. બાદમાં વર્ષ ૨૦૦૬માં બંને કોલાઘાટ આવી ગયા હતા, જ્યાં પતિ કામ કરતો હતો. વર્ષ ૨૦૦૮માં પત્ની કોલકાત્તાના નારકેલડાંગા જતી રહી હતી. તેનું કહેવું હતું કે, અહીં રહેવું તેના માટે વધારે સુવિધાજનક હતું, કારણ કે તે સિયાલદહથી નજીક પડે છે, જ્યાં તે કામ કરે છે. જો કે, પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો કે, હું પતિથી એટલા માટે દૂર થઈ કારણ કે, હું અસહાય બની ગઈ હતી.
વર્ષ ૨૦૦૮માં કોલાઘાટમાં પતિનું ઘર છોડી દીધા બાદ પણ મહિલાનો પરિવાર અને એક મિત્ર ત્યાં જ રોકાઈ રહ્યા હતા. વર્ષ ૨૦૧૬માં પત્ની ઉત્તરપરા જતી રહી હતી. પતિનું કહેવું છે કે તેની પત્ની તેનાથી દૂર રહે છે તે ક્રૂરતા છે. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, પત્ની કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા કે બાળકો પેદા કરવા નથી માંગતી.