પોલીસ સ્ટેશને મામલો પહોંચતા આ મામલે બે ને ઝડપી લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પત્નીના અનૈતિક સંબંધની શંકામાં પતિએ ૨ મોપેડને આગ ચાંપી દીધી હતી. આરોપીની પત્ની તેની બહેનપણીના ઘરે અવાર નવાર જતી હતી. ત્યારે તેની પત્ની અને તેની બહેનપણીના પતિ વચ્ચે અનૈતિક સંબંધની શંકા રાખી અન્ય સાગરિત સાથે મળી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદીના બંન્ને મોપેડને આગના હવાલે કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે આરોપી અને તેને સાથ આપનાર અન્ય એક શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામમાં પત્ની સાથે આડાસંબંધના વહેમમાં એક પતિએ બે મોપેડને આગ લગાવી દીધી હતી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે આરોપી પતિ અને તેના મિત્રની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર ટૂકવાડામાં રહેતા ગણેશભાઈ પટેલની પત્ની દીપ્તિ બેન અને મહેન્દ્ર પટેલની પત્ની સારિકા બંને મિત્ર હતી. આથી સારિકા અવારનવાર દિપ્તીને મળવા એમના ઘરે જતી હતી. પરંતુ સારિકાના પતિ મહેન્દ્રને આ ગમતું ન હતું. મહેન્દ્રને શંકા હતી કે તેની પત્ની સારિકાને તેની બહેનપણીના પતિ ગણેશ સાથે આડાસંબંધ હશે. આથી આ આડાસંબંધની શંકા રાખી મહેન્દ્ર અને તેના મિત્ર હિરલે ગણેશને રસ્તા વચ્ચે રોકી ઝપાઝપી કરી ધમકી આપી હતી. જે બાદ મહેન્દ્ર અને હિરલ ફરીથી ગણેશભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં પાર્ક કરેલા બે મોપેડમાં આગ લગાવી સળગાવી મૂક્યા હતા. આ મામલે ગણેશ ભાઈએ પારડી પોલીસ સ્ટેશન ખાતે મહેન્દ્ર અને હિરલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે આરોપી પતિ મહેન્દ્ર અને તેના મિત્ર હિરલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.