Last Updated on by Sampurna Samachar
વેંકટેશે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી કરતો હતો ઝઘડો
બંનેએ થોડા વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોઇએ કરેલી શંકાની કોઇ દવા નથી , જ્યાં શંકાનુ પરિણામ ઘણીવાર મોત આવે છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો હૈદરાબાદથી સામે આવ્યો છે. હૈદરાબાદના નલ્લાકુંટા વિસ્તારમાં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર પતિએ પત્નીને જીવતી સળગાવી દીધાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

સુત્રોથી મળતી માહિતી મુજબ હેવાનિયતની હદ તો ત્યારે થઈ, જ્યારે મમ્મીને બચાવવા જતાં માસૂમ દીકરીને પણ પિતાએ આગમાં ધકેલી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ વેંકટેશ છે. તેની પત્નીનું નામ ત્રિવેણી હતું. બંનેએ થોડા વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે.
વેંકટેશ હંમેશા ત્રિવેણીને હેરાન કરતો હોવાની માહિતી
ઘરની ચાર દીવાલની અંદર એક ખતરનાક ખેલ ખેલાયો. વેંકટેશે પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી હતી, જેને લઈને બંને વચ્ચે હંમેશા ઝઘડા થતાં હતા. એ રાતે પણ વેંકટેશે પહેલા ત્રિવેણી સાથે બાળકો સામે મારપીટ કરી હતી.
ગુસ્સો અને શંકાના આધાર પર પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી દીધું અને માચિસ સળગાવી દીધી. ત્રિવેણી થોડી વારમાં આગનો ગોળો બની ગઈ. પોતાની માતાને સળગતી જોઈ જ્યારે દીકરી તેને બચાવવા માટે આગળ વધી તો પિતાએ તેને પણ આગમાં ધક્કો મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો.
તપાસમાં સામે આવ્યું છે કે વેંકટેશ હંમેશા ત્રિવેણીને હેરાન કરતો હતો. રોજ રોજની મારપીટથી કંટાળી ત્રિવેણી પોતાના પિયરે જતી રહેતી. પણ વેંકટેશ તેને એવું કહીને પાછી લઈ આવતો કે તે બદલાઈ ગયો છે અને હવે ક્યારેય ઝઘડા કરશે નહીં. પત્નીએ પતિ પર વિશ્વાસ મુક્યો અને પાછી આવી ગઈ. પણ તેને ક્યાં અંદાજો હતો કે તે મોતના મુખમાં જઈ રહી છે.
ઘરમાંથી ચીસો સાંભળી આજુબાજુના પાડોશી દોડી આવ્યા. તેમણે આગ ઠારી અને બાળકોને સંભાળ્યા. પણ ત્યાં સુધીમાં ત્રિવેણી ગંભીર રીતે દાઝી ચુકી હતી અને તેનું મોત થઈ ગયું. સારી વાત એ છે કે દીકરી આગમાંથી બચી નીકળી અને તેને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી વેંકટેશ વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો દાખલ કર્યો છે. હાલમાં તે ફરાર છે અને પોલીસ તેને શોધવા માટે ઠેર ઠેર દરોડા પાડી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે.