Last Updated on by Sampurna Samachar
ગુંજા અને પ્રેમીએ ભાડે શૂટરો રાખી હત્યાનો પ્લાન બનાવ્યો
મૃતક પતિની પત્ની સહિત ત્રણ ગુનેગારોની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજા રઘુવંશી હત્યા કેસને પણ ટક્કર મારે તેવો હત્યાના એક કિસ્સાએ લોકોને ચોંકાવી દીધા છે. જે રીતે સોનમે લગ્ન બાદ તેના પતિ રાજાને મોતને ઘાટ ઉતાર્યો હતો તે રીતે, લગ્નના માત્ર ૪૫ દિવસ બાદ, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેને અંજામ આપ્યો હતો. ઔરંગાબાદ પોલીસે આ કેસનો ખુલાસો કર્યો છે અને મૃતક પ્રિયાંશુ ઉર્ફે છોટુની પત્ની ગુંજા સિંહ સહિત ત્રણ ગુનેગારોની ધરપકડ કરી છે.
આ ઘટના ૨૪ જૂનની રાત્રે બિહારના ઔરંગાબાદના નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેમ્બોખાપ વળાંક નજીક બની હતી, જ્યાં પ્રિયાંશુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઔરંગાબાદના પોલીસ અધિક્ષક અંબરીશ રાહુલે એક પત્રકાર પરિષદમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, હત્યાની માસ્ટરમાઇન્ડ પ્રિયાંશુની પત્ની ગુંજા સિંહ હતી, જેનો તેના ફૂવા જીવન સિંહ સાથે અફેર હતું. લગ્ન પછી, પ્રિયાંશુ તેમના સંબંધોમાં અવરોધ બની ગયો હતો. આ કારણે, ગુંજા અને જીવને સાથે મળીને ભાડે શૂટરો રાખ્યા અને પ્રિયાંશુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ગુંજાએ હત્યાના કાવતરામાં કરી કબુલાત
SP એ જણાવ્યું હતું કે, ૨૪ જૂનની રાત્રે, જ્યારે પ્રિયાંશુ બાઇક પર તેના ગામ બરવાન પરત ફરી રહ્યો હતો, ત્યારે શૂટરોએ તેના પર હુમલો કર્યો અને તેને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. કોલ ડિટેલ રેકોર્ડ વિશ્લેષણ, CCTV ફૂટેજની તપાસ અને ગુપ્ત માહિતીના આધારે SIT એ ગુંજા સિંહ, જયશંકર અને મુકેશ શર્માની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન ગુંજાએ હત્યાના કાવતરામાં પોતાની ભૂમિકા સ્વીકારી હતી. પોલીસે કહ્યું કે, ગુંજા અને જીવન સતત સંપર્કમાં હતા, અને જીવને શૂટરો સાથે વાતચીત કરી અને હત્યાની યોજનાને અંજામ આપ્યો હતો. પોલીસે જીવન સિંહની પણ અટકાયત કરી છે, અને સંડોવાયેલા અન્ય ગુનેગારોને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઔરંગાબાદના SP અંબરીશ રાહુલે જણાવ્યું હતું કે, “આ એક સુનિયોજિત કાવતરું હતું. અમે ટૂંક સમયમાં બાકીના આરોપીઓની પણ ધરપકડ કરીશું.”
આ કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઔરંગાબાદમાં આવી અન્ય ઘટનાઓ પર પણ પ્રશ્નો ઉભા થયા છે, જ્યાં પત્નીઓએ તેમના પ્રેમીઓ સાથે મળીને તેમના પતિઓની હત્યા કરી હતી. તાજેતરમાં, બીજા એક કેસમાં પૂજા નામની એક મહિલાએ તેના પ્રેમી કમલેશ યાદવ સાથે મળીને તેના પતિ બિક્કુને સ્કોર્પિયોથી કચડી નાખીને મારી નાખ્યો હતો.