Last Updated on by Sampurna Samachar
પત્નીના મોત બાદ પરિવારે લગાવ્યો પતિ પર આરોપ
હોટલ રૂમમાં જઇ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં પત્નીના આત્મહત્યાના કેસમાં આરોપોનો સામનો કરી રહેલા ૩૦ વર્ષના યુવકે લગભગ ૧૦૦૦ કિમીનું અંતર કાપીને અંતે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો. મળતી માહિતી મુજબ, ઑનલાઈન ડિલિવરી સર્વિસની ફ્રેન્ચાઇઝી માલિક સૂરજ શિવન્ના પરિવાર સાથે બેંગલુરુ છોડીને નીકળી ગયો હતો.

પત્નીના આત્મહત્યા બાદ સૂરજ અને તેના પરિવાર પર ગંભીર આરોપો લાગ્યા હતા, જેના કારણે તે ડર અને માનસિક તણાવમાં હતો. સૂરજ પહેલા હૈદરાબાદ પહોંચ્યો અને ત્યાં થોડા સમય રોકાયા બાદ નાગપુર પહોંચ્યો. નાગપુરની એક હોટલમાં તેણે બે રૂમ બુક કરાવ્યા હતા.
પુત્રને ફાંસીએ લટકેલો જોઇ માતાએ આપઘાતનો કર્યો પ્રયાસ
રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યે સૂરજની માતા જયંતી જ્યારે હોટલ રૂમમાં ગયા ત્યારે તેમણે પોતાના પુત્રને ફાંસી પર લટકેલો જોયો. આ દ્રશ્ય જોઈને તેમની ચીસો નીકળી ગઈ. પુત્રને ગુમાવવાના આઘાતમાં તેમણે પોતે પણ ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફંદો તૂટી જતા તેઓ બચી ગયા. તેમની ચીસો સાંભળી હોટલ સ્ટાફ અને પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા.
સૂરજને તાત્કાલિક હોસ્પિટ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાએ સમગ્ર પરિવારને તોડી નાંખ્યો છે. ત્યારે સૂરજના મોટા ભાઈ સંજય શિવન્ના દ્વારા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, સૂરજ અને તેની પત્ની ગણવી વચ્ચે લગ્ન બાદ તરત જ મતભેદ શરૂ થઈ ગયા હતા. બંને ૧૦ દિવસના હનીમૂન માટે શ્રીલંકા ગયા હતા, પરંતુ ત્યાં જ ગણવીના લગ્ન પહેલાંના પ્રેમ વિશે વાત બહાર આવતા ઝઘડા થયા હતા. આ કારણે બંને માત્ર પાંચ દિવસમાં જ બેંગલુરુ પરત ફર્યા.
પરત આવ્યા બાદ પરિવારના સભ્યો દ્વારા બંને વચ્ચે સુલહ કરાવવાના અનેક પ્રયાસો થયા, પરંતુ સફળતા મળી નહીં. બાદમાં ગણવી પોતાના પિતાના ઘરે ગઈ અને થોડા કલાકોમાં જ તેણે ત્યાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
ગણવીના મૃત્યુ બાદ તેના પરિવારે સૂરજ અને તેના પરિવાર સામે દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી. સંજય શિવન્નાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે, “અમે કોઈ દહેજ માગ્યું નહોતું. લગ્નનો તમામ ખર્ચ અમે જાતે ઉઠાવ્યો હતો. છતાં અમારા પર ખોટા આરોપો લગાવાયા અને પછી અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી.”
પરિવારનું કહેવું છે કે, ફરિયાદ બાદ લગભગ ૩૦ લોકો તેમના ઘરે ઘૂસી આવ્યા હતા અને સૂરજને શોધી રહ્યા હતા. સતત ધમકીઓ, આરોપો અને માનસિક દબાણના કારણે સૂરજ એકદમ તૂટી ગયો હતો. તે સતત માફી માંગતો હતો અને ભારે ડર હેઠળ જીવી રહ્યો હતો. આ ઘટના ફરી એકવાર સમાજ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.