Last Updated on by Sampurna Samachar
ગંભીર કહાનીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર
છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના કુબેરનગરમાં પતિ દ્વારા પત્ની અને સાસુને જીવતા સળગાવવાના એક ગંભીર મામલાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પત્ની જયાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે તેમની માતા (સાસુ) શોભનાબેન ગંભીર હાલતમાં હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી અશોક રાજપૂત ડોલમાં જ્વલનશીલ પદાર્થ લઈને જતો જોવા મળ્યો હતો.

આ ઘટના કુબેરનગરના કમલ કોમ્પ્લેક્સમાં બની હતી. મૃતક જયાબેન છેલ્લા ત્રણ મહિનાથી આ કોમ્પ્લેક્સમાં બ્યુટી પાર્લર ચલાવતા હતા. મળતી માહિતી મુજબ, પતિ અશોક રાજપૂત અને પત્ની જયાબેન તેમજ તેમની માતા શોભનાબેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. જયાબેનના આ બીજા લગ્ન હતા.
હુમલામાં અશોક પોતે પણ ઈજાગ્રસ્ત થયો
તેમના પહેલા લગ્ન પછી છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ તેમણે અશોક રાજપૂત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના લગ્નને હજુ માત્ર પાંચ મહિના જ થયા હતા. આ ઘર કંકાસ એટલો વધી ગયો હતો કે દોઢ મહિના અગાઉ જ જયાબેને પતિ અશોક વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાવી હતી.
અશોક રાજપૂત જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યો હતો અને તેણે પત્ની જયાબેન તથા સાસુ શોભનાબેન પર હુમલો કરીને તેમને સળગાવી દીધા. આ હુમલામાં અશોક પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. તાત્કાલિક ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જયાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, જ્યારે તેમની માતાની હાલત ગંભીર છે. આરોપી અશોકને પણ સારવાર હેઠળ નજરકેદ રાખવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદથી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સરદારનગર પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે. હાલ, ભોગ બનનાર શોભનાબેન ભાનમાં ન હોવાથી હુમલાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ પોલીસનું માનવું છે કે આ ઘટનાનું મુખ્ય કારણ ઘર કંકાસ જ છે. આરોપી અશોક છૂટક મજૂરીકામ કરે છે.