Last Updated on by Sampurna Samachar
પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ગળું દબાવી દીધું
મૃતક યુવકની પત્નીએ પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાણંદના ગણાસર ગામમાં આવેલા ઇન્દિરા આવાસમાં મકાનમાંથી મળેલા યુવકના મૃતદેહ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક યુવકની પત્નીએ પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. પત્નીના પ્રેમસંબંધના કારણે અવારનવાર ઝઘડા થતા પતિ તેને માર મારતો હોવાથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો છે.

સાણંદના ગણાસર ગામમાં આવેલ ઇન્દિરા આવાસમાં ૧૦મી એપ્રિલના ૮ વાગ્યાની આસપાસ સંજય ઠાકોરનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતની જાણ પોલીસે કરતા સાણંદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ગળે ટુંપો આપીને હત્યા નીપજાવી
જો કે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હાથથી ગળું દબાવવાથી ગુંગળામણના કારણે યુવકનું મોત થયું હોવાનું સામે આવતા પોલીસે હત્યાની આશંકા રાખીને અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી. જો કે બીજી તરફ મૃતક યુવકના પિતા દ્વારા મૃતકની પત્ની અને તેના પ્રેમી પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ કરતા બંને ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તપાસ કરી બંનેને ઝડપીને પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન હકીકત સામે આવી હતી કે મૃતક સંજય અને રાહુલ ઠાકોર બંને એક જ ગામના હોવાથી મિત્રો હતા. રાહુલને છેલ્લા સાતેક મહિનાથી સંજયની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. બંને ફોન પર વાતચીત કરતા હતા અને અવારનવાર મળતા પણ હતા. જેને લઈને સંજયને તેની પત્ની સાથે બોલાચાલી, ઝઘડા થતા હતા અને અવારનવાર તેને માર પણ મારતો હતો.
બનાવના દિવસે રાહુલ રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ ગુટખા લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે સંજયના ઘર પાસેથી પસાર થતા બંને પતિ-પત્ની ઝઘડી રહ્યા હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી રાહુલ સંજયના ઘરે ગયો હતો અને ઝઘડામાં વચ્ચે પડતા સંજયે તેને કહ્યું હતું કે તું અમારી વચ્ચે પડીશ નહીં, તારે મારા ઘરનું જોવાનું નહીં. તારા લીધે જ મારા ઘરમાં ઝઘડા થાય છે.
બીજી તરફ સંજયની પત્નીએ રાહુલને કહ્યું હતું કે સંજય તારી સાથેના પ્રેમસંબંધને લઈને અવારનવાર મને માર મારે છે. હવે મારાથી માર સહન થતો નથી. આનો કાંઈક રસ્તો કરવો પડશે, તેમ કહીને સંજય ખાટલામાં બેઠો હતો ત્યારે ટુવાલ વડે તેને ગળે ટુંપો આપીને હત્યા નીપજાવી હતી. બાદમાં તેઓ ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.