પોલીસે નરાધમની કરી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મામા અને ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય સગીરા સાથે પાડોશમાં જ રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની ૨૮ વર્ષીય યુવક દ્વારા બીભત્સ વીડિયો બતાવી, શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
ધોરણ ૬માં અભ્યાસ કરનારી અને ૧૧ વર્ષની ઉંમર ધરાવનારી સગીરા સાથે પાડોશમાં જ રહેતા યુવક દ્વારા ત્રણ-ચાર મહિના સુધી અવારનવાર શારિરીક અડપલા કર્યા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૂળ મહારાષ્ટ્રના વતની અને રાજકોટ ખાતે રહેતા યુવક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘‘યુવક તેમના જ વતનનો હોવાથી તેની સાથે છેલ્લા ૧૫ વર્ષથી પરિચય છે. મારા દીકરા-દીકરી આરોપીને ‘મામા’ કહીને બોલાવે છે. આરોપીની ત્રણ મહિના પૂર્વે સગાઈ થઈ હતી જેથી તે પોતાની મંગેતર સાથે વાત કરવા માટે અમારા ઘરે આવતો હતો. તેમજ અમારા ઘરના ઉપરના માળે જઈ પોતાની મંગેતર સાથે વાતચીત કરતો હતો. દરમિયાન ૮ ડિસેમ્બરના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં તે અમારા ઘરે ફોનમાં વાતચીત કરવા આવ્યો હતો. તે સમયે તેણે પીવાનું પાણી મંગાવતા મારી દીકરી તેને પાણી આપવા માટે ગઈ હતી.’’
બીજા દિવસે મારી દીકરીએ મને વાત કરી હતી કે તેને પેશાબના ભાગે ખૂબ જ દુખાવો થાય છે. જેથી અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. તપાસ દરમિયાન મારી દીકરી સાથે તેના ગુપ્તાંગના ભાગે કોઈએ ચેનચાળા કર્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તે મામલે દીકરીને પૂછપરછ કરતા તે રડવા માંડી હતી.’’ બાળકીએ રડતા રડતા પોતાની માતાને જણાવ્યું હતું કે, ‘‘રવિવારના રોજ હું જ્યારે મામાને પાણી આપવા માટે ગઈ હતી ત્યારે તેમણે મને તેમના મોબાઈલમાં ગંદા વીડિયો બતાવ્યા હતા. ત્યારબાદ મારા પેશાબની જગ્યાએ અડપલાં કરી તેમાં આંગળી પણ નાખી હતી. તો સાથે જ મને ધમકી આપતા કહ્યું હતું કે, જો તું સમગ્ર મામલાની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ.’ આ પ્રકારે મામાએ ત્રણેક મહિનામાં અવારનવાર મારી સાથે આવું કર્યું હતું.’’ ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટ ખાતે તે ચાંદીકામના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.