ટી-શર્ટ પર ‘અમે નહીં ભૂલીએ અને માફ નહીં કરીએ’ લખેલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
હમાસે અપહરણ કરેલા ઈઝરાયેલના નાગરિકોને છોડ્યા પછી ઈઝરાયેલે પણ પેલેસ્ટાઈનના ૩૬૯ કેદીઓને છોડી દીધા હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કેદીઓને એક ખાસ પ્રકારના ટી-શર્ટ પહેરાવીને મુક્ત કરવામાં આવ્યા છે. આ ટી-શર્ટ પર ‘અમે નહીં ભૂલીએ અને માફ નહીં કરીએ’ લખેલું છે.
હકીકતમાં, હમાસ દરેક વખતે ઈઝરાયેલના બંધકોને છોડતા પહેલા એક કાર્યક્રમ યોજે છે. એમાં બંધકોને લાવવામાં આવે છે અને તેમની પાસે હમાસના વખાણ કરાવવામાં આવે છે. આ ઈવેન્ટમાં પેલેસ્ટાઈનના હજારો લોકો એકત્ર થાય છે. આ કાર્યક્રમને લીધે ઈઝરાયેલ નારાજ છે. જ્યાં આ વખતે પણ હમાસે કાર્યક્રમ યોજીને ઈઝરાયેલના ત્રણ બંધકોને મુક્ત કર્યા હતા.
સીઝફાયર ડીલ અંતર્ગત ત્રણેય બંધકોને ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં ઇઝરાયેલના સમય મુજબ સવારે ૧૦ કલાકે રેડ ક્રોસના હવાલે કર્યા હતા. ત્યાર પછી રેડ ક્રોસે ત્રણેય નાગરિકોને ઈઝરાયેલને સોંપ્યા હતા. મુક્ત થનાર ત્રણેય પુરુષ બંધકો છે. જેમાં સાગુઇ ડેકેલ-ચેન, સાશા ટ્રોફાનોવ અને ઈએયર હોર્ન છે. ગત મહિને લાગુ થયેલી સીઝફાયર ડીલ અંતર્ગત બંધકો અને પેલેસ્ટાઈનના કેદીઓની આ રીતે છઠ્ઠી વાર અદલા-બદલી કરાઇ છે.