ભાવમાં મોટો ઉછાળો અને મટીરિયલની અછત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

છોટા ઉદેપુરમાં રૂ. ૨૦૦ કરોડના રોડના કામો પર સંકટ

ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાના ડામરના રસ્તાની કામગીરી બંધ થઈ જાય તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે સ્થાનિક વિકાસ કામો પર જોવા મળી રહી છે, જેમાં ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, ડામરના ભાવ જે અગાઉ પ્રતિ ટન ૫૩,૦૦૦ રૂપિયા હતા, તે વધીને ૬૨,૦૦૦ રૂપિયા થઈ ગયા છે. આમ, સીધો ૯,૦૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ડામર મિશ્રણમાં વપરાતા લાઇટ ડીઝલ ઓઈલના ભાવ ૫૩ રૂપિયાથી વધીને ૬૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. રિફાઇનરીઓમાંથી ડામરનો પૂરતો જથ્થો ન મળતા કામગીરી ઠપ્પ થવાના આરે છે. પહેલી તારીખથી હજુ પણ ભાવ વધવાની શક્યતાએ કોન્ટ્રાક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે.

હજારો મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટા ઉદેપુર અને કદવાલ એમ સાતેય તાલુકાઓમાં હાલમાં ૧૦ જેટલી એજન્સીઓ ડામર રોડનું કામ કરી રહી છે. હોળીના વેકેશન બાદ માંડ કામ શરૂ થયા હતા ત્યાં જ આર્થિક સંકટ આવી પડ્યું છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, એસ્ટિમેન્ટ વખતે ડામરના ભાવ ઓછા હતા, પરંતુ હાલમાં આસમાને પહોંચેલા ભાવને કારણે કામ ચાલુ રાખવું અશક્ય બન્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અમારે કામ બંધ કરવાની ફરજ પડશે.

જો આ કામગીરી બંધ થશે તો તેની માઠી અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ અન્ય ક્ષેત્રો પર પણ પડશે. હજારો મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે. કપચી અને મેટલ બનાવતા પ્લાન્ટ્સને ઓર્ડર મળતા બંધ થશે, જેનાથી તે ઉદ્યોગોને પણ તાળા વાગવાની નોબત આવશે. રોડના કામો અટકવાથી સરકારને મળતી મોટી રકમની રોયલ્ટીની આવકમાં પણ મોટું નુકસાન જશે. સમય મર્યાદામાં કામ પૂરું ન થાય તો કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ભરવાનો પણ ભય સતાવી રહ્યો છે. હાલ તો જિલ્લાના વિકાસના પૈડાં ડામરના ભાવવધારામાં અટવાયા છે, ત્યારે સરકાર આ બાબતે કોઈ રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.