Last Updated on by Sampurna Samachar
ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ
દુકાન ચલાવતા વેપારી માથાભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ડોળાસા ગામે સજ્જડ બંધ પાળ્યો હતો અને વેપારીઓએ વિશાળ રેલી યોજી તંત્રને રજૂઆત કરી હતી.

મળતી માહિતી અનુસાર, ડોળાસામાં હાર્ડવેરની દુકાન ચલાવતા ૪૫ વર્ષીય વેપારી દિલીપ મોરી પર ઉનાના માથાભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નિલય વાળા અને તેના સાગરીતોએ કરેલા આ હુમલામાં દિલીપભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા.
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજમાં ભારે આક્રોશ
હાલ તેઓ કોડીનારની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે વેપારી મહામંડળ અને ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ડોળાસા ગામના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને ગ્રામજનોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી હતી, જે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશને પહોંચી હતી. આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ માંગ કરી હતી કે નિર્દોષ વેપારી પર હુમલો કરનારા માથાભારે તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે.
એક સામાન્ય વેપારી પર આ પ્રકારે સરેઆમ હુમલો થતા સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. રાજપૂત સમાજના આગેવાનોએ પણ આ બનાવને વખોડી કાઢ્યો છે અને જો વહેલી તકે આરોપીઓની ધરપકડ કરી કડક સજા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી આપી છે. ઘટનાને પગલે ડોળાસા અને કોડીનાર પંથકમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનાર પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરોની ઓળખ થઈ ચૂકી છે અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.