Last Updated on by Sampurna Samachar
સંખેડાના ફર્નિચરના વેપારીઓ કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો
૧૦૦ જેટલા પરિવાર આ ધંધા પર ર્નિભર : યુદ્ધની સ્થિતિ એ ઊભી થતા તૈયાર કરેલ માલનો વિદેશમાં નિકાલ થતો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જિલ્લાના સંખેડા ગામનો ફર્નિચર ઉદ્યોગ, જે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી છે. તે હવે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધની સ્થિતિને કારણે ફર્નિચર બનાવવા માટે વપરાતું રો મટિરિયલ મોંઘું બન્યું છે, તો બીજી તરફ વિદેશી બજારમાં માંગ ઘટતા આ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામનો ફર્નિચર ઉદ્યોગ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

સાગવાન લાકડાથી બનતું આ રંગબેરંગી અને કોટિંગવાળું ફર્નિચર તેની સુંદર ડિઝાઇન અને કારીગરી માટે વિશ્વપ્રખ્યાત છે. અહીં બનાવાતા ઝૂલા, ખુરશીઓ, ટેબલ અને સોફા જેવી વસ્તુઓની વિદેશોમાં પણ માંગ છે.સંખેડાના આ ઉદ્યોગ સાથે વર્ષોથી અનેક પરિવારો જોડાયેલા છે અને આ કારીગરી પેઢીથી પેઢી સુધી ચાલતી આવી છે. એક સમય એવો હતો કે, વિદેશી ઓર્ડરોની ભરમારને કારણે કારીગરો કામ પૂરું કરી શકતા નહોતા. પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુદ્ધની સ્થિતિને કારણે ફર્નિચર બનાવવા માટેના કાચા માલ જે વિદેશમાંથી આવે છે તેમાં તો ભાવમાં વધારો સતત વધી રહ્યા છે.
વૈશ્વિક બજારમાં માંગ ઘટતા તૈયાર માલનો જથ્થો વેચાતો નથી
રોજેરોજ તેમના મોબાઇલોમાં મેસેજ મળી રહ્યા છે. વધુમાં અહીંનું જે સાગી લાકડું જે મળે છે તેમાં પણ ભાવમાં ભારે વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં માંગ ઘટતા તૈયાર માલનો જથ્થો વેચાતો નથી. જેના કારણે સંખેડાના ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. સંખેડાના જ એક ખરાદી સમાજના ૧૦૦ જેટલા પરિવારો આ ધંધા પર ર્નિભર છે. યુદ્ધની સ્થિતિ એ ઊભી થઈ છે કે, હવે તૈયાર કરેલ માલનો વિદેશમાં નિકાલ થતો નથી. સાથોસાથ હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. તેમાં પણ ભાવમાં વધારો કરવામાં આવતા લોકો ફર્નિચરની ખરીદી કરતા ખચકાય છે.
જેથી ધંધો હવે ઠપ્પ થયો હોય તેમને તેમના કારીગરોને રોજગારી આપવી પણ માલિકોને હવે મુશ્કેલ બન્યું છે. આ રીતે, એક સમય વિશ્વ ફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર સંખેડા ફર્નિચર ઉદ્યોગ આજે પડકારો સામે સંઘર્ષ કરી રહ્યો છે.
વેપારી જૈમિન સુથારે આ અંગે જણાવ્યું કે, “હું મારા પિતા સાથે આ વ્યવસાય સાથે ૧૦ વર્ષથી જોડાયેલો છું. આ ફર્નિચરની આગવી વાત એ છે કે, ગુજરાતમાં તો નહીં પરંતુ દેશવિદેશમાં પણ આને કોઈ કોપી નથી કરતું. અહીંનું ફર્નિચર વખણાય છે. હાલની પરિસ્થિતિમાં અમને રો મટિરિયલની અછત છે. ટર્પેન્ટાઈન, ગાદી, કાપડ સહિત અન્ય રો મટિરિયલ જેની વગર અમારા ફર્નિચર બનાવવું મુશ્કેલ છે.
હાલ મટિરિયલ સરળતાથી મળતું નથી. અમારે પહેલાના ઓર્ડર બનાવવામાં પણ તકલીફ પડી રહી છે. આ ઓર્ડર બની જાય પછી એક્સપોર્ટમાં પણ ઘણા રૂપિયા જઈ રહ્યા છે. જેના કારણે અમારે ઘરના રૂપિયા કાઢીને તે મોકલવું પડે છે. આ અમારા માટે ચેલેન્જિંગ છે. જે અમને બે મહિના પહેલા દેખાતું હતું તે હવે કામ જ નથી મળતું. આ વર્ષમાં અમને એક્સપોર્ટમાં ઘણું જ નુકસાન થયું છે.”