Last Updated on by Sampurna Samachar
પોલીસની પકડમાંથી ભાગવા જતા આરોપી પર ફાયરિંગ
આ ફાયરિંગમાં પ્રોહિબિશનના આરોપીના ખભાના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ થઈ નીચે પડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આજે એક નાટ્યાત્મક ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પ્રોહિબિશનના એક આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને રોકવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પ્રોહિબિશનના એક આરોપીને રાજસ્થાનથી પકડીને ગુજરાત તરફ લાવી રહી હતી.

શામળાજીના અણસોલ ગામ પાસે પહોંચતા જ આરોપીએ પોલીસની પકડમાંથી છૂટીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા સમજીને પોલીસે આરોપીને રોકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે માન્યો ન હતો. આ દરમિયાન આરોપીને કસ્ટડીમાંથી ભાગતો રોકવા માટે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ ફાયરિંગમાં પ્રોહિબિશનના આરોપીના ખભાના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ થઈ નીચે પડ્યો હતો.ઘટનાને પગલે તરત જ એમ્બ્યુલન્સ દ્વારા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં આરોપીની પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર ચાલી રહી છે.