Last Updated on by Sampurna Samachar
મૃતકના પિતાએ કોલેજના આચાર્ય સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા-વિસનગર હાઇવે પર બાસણા નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ પ્રોફેસરોના કથિત ત્રાસને કારણે આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. આ ઘટના બાદ પોલીસે કોલેજના આચાર્ય સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો. આ ઘટનાના વિરોધમાં કોલેજના વિદ્યાર્થીઓએ રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી.
મળતી માહિતી અનુસાર વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી વિસનગરના બાસણામાં આવેલ મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં પ્રોફેસર દ્વારા કરાતા ટોર્ચરથી કંટાળીને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ પ્રોફેસરને સસ્પેન્ડ કરી તેમજ પ્રિન્સીપાલ રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે.
આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. ન્યાય નહીં મળે તો ઉગ્રઆંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે મૃતકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસમાં ચાર પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી કહ્યું કે, તેમના દ્વારા તેને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવામાં આવતી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
સુરેશરાવ વાસનીક નામના પ્રોફેસર તેને ઊંચા અવાજે ધમકાવતા અને નાપાસ કરવાની ધમકીઓ આપતા હતા. મેડિસિનના પ્રોફેસર પ્રશાંત નુવાલ તેને ત્રણ-ત્રણ વખત એક જ વસ્તુ લખવા ફરજ પાડતા અને બે-ત્રણ કલાક સુધી ઊભા રાખતા, સાથે અશોભનીય વર્તન કરતા હતા. ફાર્મસીના પ્રોફેસર તેને એકલી ક્લાસમાં બોલાવી અશ્લીલ ટિપ્પણીઓ કરતા હતા. ડૉ. સંજય રીધે નામના એસોસિએટ પ્રોફેસર પણ, તેને જાહેરમાં અપમાનિત કરતા અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. તો ઘટના બાદ કોલેજ તંત્ર સતર્ક થઈ ગયું છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.