સંસદમાં થયેલી ધક્કામુક્કીના બાબતે સાંસદ પ્રિયંકા ગાંધીએ આપ્યો વળતો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદમાં થયેલી ધક્કામુક્કી કાંડ પર વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વળતો પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘આ અમિત શાહને બચાવવાનું કાવતરું છે. શાહની વાતોમાં અસલી ભાવના નીકળી ગઈ. હું ભાજપના સાંસદને ચેલેન્જ આપું છું કે, અહીં ઊભા રહીને જય ભીમ બોલે.’ પરિસરમાં વિરોધ-પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને ઈજા થઈ હતી. ભાજપે દાવો કર્યો કે, રાહુલ ગાંધીના ધક્કાથી બંને સાંસદોને ઈજા થઈ. જોકે, કોંગ્રેસે તેને નકારતા વળતો પ્રહાર કર્યો અને ભાજપ પર આરોપ લગાવ્યો કે, તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ધક્કો માર્યો, જ્યારબાદ તે જમીન પર પડી ગયા અને તેમને ઈજા થઈ.
સંસદમાં થયેલી ધક્કામુક્કી પર પત્રકારો સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘કેટલાં દિવસથી વિપક્ષ શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ પહેલીવાર ભાજપે પ્રદર્શન કર્યું અને બધાને રોકી દીધા, ત્યારબાદ ધક્કામુક્કી અને ગુંડાગર્દી. હવે ફક્ત અમિત શાહને બચાવવાનું કાવતરું શરુ કરી દીધું છે કે, રાહુલે કોઈને ધક્કો માર્યો. મારી આંખો સામે ખડગેજીને ધક્કો મારીને જમીન પર પાડી દેવામાં આવ્યા. ત્યારબાદ CPM ના સાંસદને ધક્કો મારવામાં આવ્યો, તેઓ ખડગેજી પર પડ્યા. મને લાગ્યું પગ તૂટી ગયો હશે કે કંઈક થયું હશે. ચહેરાથી લાગી રહ્યું હતું કે, ઈજા થઈ છે. ત્યારબાદ અમે તેમના માટે ખુરશી શોધીને લાવ્યા.
લોકસભા સાંસદે આગળ કહ્યું કે, ‘તમે જાતે જ જોઈ લો રોજ અમે પ્રદર્શન કરીએ છીએ, આજ સુધી કંઈ ન થયું. આ બધું એક કાવતરાનો ભાગ છે. અમે તેમને પૂછ્યું કે, આંબેડકરજીનું સન્માન કરો છો તો જય ભીમ બોલો. જય ભીમનો નારો કેમ નથી નીકળતો આમના મોંઢામાંથી? અમે ફક્ત નારો લગાવી રહ્યા અને બંધારણ માટે લડતા રહ્યા. અમિત શાહની વાતમાં અસલ ભાવના નીકળી ગઈ. હું ભાજપના સાંસદોને ચેલેન્જ કરું છું કે, ઊભા થઈને જય ભીમ બોલે.’
નોંધનીય છે કે, સંસદની કાર્યવાહી દરમિયાન પણ આ મુદ્દો ઊભો થયો. કેન્દ્રીય મંત્રી જે. પી નડ્ડાએ સંસદમાં કહ્યું કે, બંધારણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસની પોલ ખુલી ગઈ છે. ૭૫ વર્ષમાં બંધારણને તોડીને દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો, આ જનતા સુધી પહોંચી ગયું છે. આ જ કારણે કોંગ્રેસ પોતાને સંભાળી ન શકી અને બેકાબૂ થઈ ગઈ. આજે જે પ્રકારે રાહુલ ગાંધીએ સાંસદ સાથે ધક્કામુક્કી કરી, જેમાં અમારા બે સાંસદ ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમની આરએમએલમાં સારવાર થઈ રહી છે. આ ગૃહ સંપૂર્ણ ઘટનાક્રમની નિંદા કરે છે.