વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલય માટે ભૂમિપૂજનમાં રહ્યા હાજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોઈ સલીમ સુરેશ બનીને ભોળીભાળી દીકરીઓને છેતરશે એ નહીં ચાલે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલય માટે ભૂમિપૂજનમાં સામેલ થયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવા વિષયો ઉપર રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનું વલણ મક્કમ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સમાજના કોઈપણ વર્ગ સાથે અન્યાય કર્યા વિના કાયદાની મર્યાદામાં રહીને પગલાં લેવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.
ગૃહ રાજ્યમંત્રીએ શબ્દો ચોર્યા વિના કહ્યું કે, કોઈ સલીમ જો સુરેશ બનીને ભોળીભાળી છોકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે. આ સંદર્ભમાં હર્ષ સંઘવીએ માહિતી આપી કે, છેલ્લા થોડા વખતમાં આવી પાંચથી સાત છોકરીઓને વિધર્મીઓની ચુંગાલમાંથી છોડાવીને તેમનાં માતા-પિતાને પરત સોંપવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે આ છોકરીઓને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ફોસલાવીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં લઈ જવામાં આવી હતી. કેટલાક કિસ્સામાં માતા-પિતાએ મદદ માંગી હતી, જ્યારે ઘણા કિસ્સામાં માતા-પિતાએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, સામાજિક સંગઠનો દ્વારા મળેલી માહિતીને આધારે રાજ્યની પોલીસે ત્વરિત પગલાં લઈને આ દીકરીઓને પરત લાવવાની કામગીરી કરી છે તેમ તેમણે કહ્યું હતું.હર્ષભાઈ શાહે ગેરકાયદે બાંધકામોનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અનેક સરકારી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યાં છે પરંતુ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતર્ક છે અને આવાં બાંધકામોને તોડી પાડીને જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે. આ ખુલ્લી થયેલી જગ્યાઓ ઉપર શાળાઓ બનશે, હોસ્પિટલો બનશે, અન્ય નાગરિક સુવિધાઓ તૈયાર થશે. ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદની કામગીરીની પ્રશંસા કરી હતી.