ધારાસભ્યના પુત્ર સહિત ટોળા સામે ફરિયાદ નોંધાઈ જેમાં ૧૧ ની અટકાયત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય અને તેમના પુત્ર તેમજ તેમના સર્મથકો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. HNGU માં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUI ના સભ્યોએ તેમની કેટલીક માંગોને લઈને ભૂખ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે યુનિવર્સિટીમાં અનેક સ્થાનો પર વધુ હંગામો થયો હતો. સ્થિતિ વણસતાં શહેરના બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના PI દ્વારા ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.
HNGU માં ભૂખ હડતાળ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ જ ફરિયાદી બની. અને MLA કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત ૧૪ સામે નામજોગ તથા ૨૦૦ના ટોળા સામે ફરિયાદ નોંધાવી. આ મામલમાં ૧૧ લોકોની અટકાયત કરવામાં આવી. જોકે ધારાસભ્ય કિરિટ પટેલ અને તેમના પુત્ર તેમજ NSUI ના આગેવાનો હજુ પણ પોલીસ સમક્ષ હાજર થયા નથી. પોલીસ વિરોધ પ્રદર્શન કરનાર ૫૦ લોકોની ઓળખ પરેડ કરી છે. અને તમામ શંકાસ્પદ શખ્સોને પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ મોકલી છે.આ મહિનામાં ૧૬ તારીખના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા ભૂખ હડતાળનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં ના આવતા પોલીસ ધારાસભ્યથી લઈને હાજર રહેલ ૨૦૦ના ટોળા સામે ફરિયાદ નોંધી. વિરોધ પ્રદર્શન કરી રહેલા તત્ત્વો દ્વારા પોલીસ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ટોળાને શાંત કરવા આવેલ પોલીસ સાથે ઝપાઝપી થતા મામલો વધુ વણસી ગયો હતો. આથી આ મામલે પોલીસ જાતે જ ફરિયાદી બનતાં ૧૧ લોકોની અટકાયત કરી અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સામે ગુનો નોંધ્યો.