કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ આપી વાઇરસ અંગે જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV ) નામના વાઇરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. ત્યારબાદ આ વાઇરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. જે બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ HMPV વાઇરસ અંગે નિવેદન આપતાં કહ્યું કે, આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા ૨૦૦૧માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.’
ચીનમાં જોવા મળતાં આ વાઇરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે, જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કુણાલ સરકારે આ વાઇરસને લઈને ચેતવણી આપી છે કે, સરકારે આ અંગે ગંભીરતાપૂર્વક પગલાં લેવાની જરૂર છે. સરકારે સાવચેતી રાખવી જોઈએ અને તેના નાગરિકોને આ વાઇરસથી બચાવવા જોઈએ. ડૉ. સરકારે કહ્યું, “HMPV વાઇરસ એક RNA -અસરગ્રસ્ત વાઇરસ છે, જે ચેપી હોવા ઉપરાંત કોવિડ-૧૯ જેટલો ગંભીર નથી. તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને શરદીનો સમાવેશ થાય છે, જેને RT-PCR ટેસ્ટ દ્વારા ઓળખી શકાય છે.”