Last Updated on by Sampurna Samachar
સહમતિથી બનાવેલો સંબંધ રેપ ન કહી શકાય
અમુક કિસ્સામાં રેપનો કેસ કરવામાં આવતો હોય છે જો કે, આ કિસ્સાઓને લઈ અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અવારનવાર બનતા રેપ અને બળાત્કારના કેસો વચ્ચે ક્યારેક નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે. બે વ્યક્તિ એકબીજાની સહમતીથી શારીરિક સંબંધ તો બનાવી લે છે, પરંતુ ત્યાર પછી જ્યારે સંબંધોમાં તિરાડ આવે કે કરેલા વાયદાઓ પૂરા ન થાય ત્યારે અમુક કિસ્સામાં રેપનો કેસ કરવામાં આવતો હોય છે. જોકે, આ કિસ્સાઓને લઈ અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો બે પુખ્ત વ્યક્તિઓ આપસી સંમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધમાં રહે છે, ત્યાર બાદ સંબંધ તૂટી જાય કે લગ્નનું વચન પૂરું ન થાય, તો તેને બળાત્કાર માનવામાં ન આવે. કોર્ટે કહ્યું કે, આવા કેસોમાં ફોજદારી પ્રક્રિયાનો દુરુપયોગ ન થવો જો ઈએ. અલ્હાબાદ હાઈકોર્ટનો આ ચુકાદો કાયદાકીય દૃષ્ટિએ અત્યંત મહત્વનો છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લગ્નના વચન પછી સંબંધો તૂટી જાય અને તેને રેપ તરીકે ગણાવવામાં આવે છે.
કાયદાની પ્રક્રિયાનો આવો દુરુપયોગ અટકાવવો
જાણવા મળતી માહિતી મુજબ, આ ચુકાદો રામપુર જિલ્લાના રહેવાસી અજય સૈની સામે નોંધાયેલા રેપના કેસમાં આવ્યો છે. જસ્ટિસ અવનીશ સક્સેનાની બેન્ચે આરોપીની અરજી પર સુનાવણી કર્યા બાદ રામપુરની નીચલી અદાલતમાં ચાલી રહેલી આ સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે.
કેસ અનુસાર, એક યુવતીએ વર્ષ ૨૦૨૪માં અજય સૈની સામે બળાત્કારનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. પીડિતાનું કહેવું હતું કે, વર્ષ ૨૦૧૯માં આરોપી નોકરી અપાવવાના બહાને તેને મોરાદાબાદ લઈ ગયો હતો અને નશીલો પદાર્થ પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ લગ્નનું વચન આપી ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ ચાલુ રાખ્યું હતું. જ્યારે પીડિતાને ખબર પડી કે આરોપી ક્યાંક બીજે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
કોર્ટે પીડિતાના નિવેદનમાં અનેક વિરોધાભાસો નોંધ્યા છે. FIRમાં જ્યાં હોટલના રૂમનો ઉલ્લેખ હતો, ત્યાં પછીના નિવેદનમાં રેસ્ટોરન્ટમાં નશીલો પદાર્થ આપ્યાની વાત સામે આવી હતી. કોર્ટે એ પણ જોયું કે, પીડિતા શિક્ષિત છે અને ચાર વર્ષ સુધી તેણે ક્યાંય પણ આ ઘટનાની ફરિયાદ કરી નહોતી. જસ્ટિસ સક્સેનાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, બંને પક્ષો વચ્ચેના સંબંધ આપસી સંમતિથી બનેલા હતા અને લાંબા સમય સુધી ચાલ્યા હતા.
હવે સંબંધ તૂટી ગયા પછી તેને ફોજદારી કેસ બનાવવો યોગ્ય નથી. કોર્ટે ટિપ્પણી કરી કે, રેપ જેવા ગંભીર ગુનાની કલમોનો ઉપયોગ માત્ર વાસ્તવિક યૌન હિંસા, જબરદસ્તી કે સ્પષ્ટ છેતરપિંડીના કેસોમાં જ થવો જોઈએ.કોર્ટે વધુમાં કહ્યું છે કે, “દરેક નિષ્ફળ અથવા તૂટી ગયેલા સંબંધને રેપનો કેસ બનાવી દેવો એ ન માત્ર આ ગુનાની ગંભીરતાને ઓછી કરે છે, પરંતુ આરોપી પર ક્યારેય દૂર ન થતો કલંક પણ લગાડી દે છે.
કાયદાની પ્રક્રિયાનો આવો દુરુપયોગ અટકાવવો જોઈએ.” અલ્હાબાદ હાઈકોર્ટનો આ ચુકાદો કાયદાકીય દૃષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લગ્નના વચન પછી સંબંધો તૂટી જાય અને તેને રેપ તરીકે ગણાવવામાં આવે છે.