Last Updated on by Sampurna Samachar
બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડ્યો
લક્ઝરી કારો પર ટેરિફ માત્ર ૧૦ ટકા કરી દેવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યો છે. આ મધર ઓફ ઓલ ડીલથી ભારતના લોકોને મોટો ફાયદો થશે, અનેક વસ્તુઓ સસ્તી થશે તો વેપાર ક્ષેત્રે મોટા લાભથી શક્યતા છે.

શું થશે ફાયદો ?
કેમિકલ્સ : યુરોપિયન યુનિયનથી આવતા કેમિકલ ઉત્પાદનો પર લાગતી ૨૨% ટેરિફ નાબૂદ કરી દેવાથી, જેથી કેમિકલ ઉત્પાદનો સાથે સંલગ્ન વસ્તુઓ સસ્તી થશે.
મશીનરી: યુરોપિયન મશીનરી પર લાગતો ૪૪ ટકા ટેરિફ દૂર કરી દેવામાં આવશે, જેનાથી કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈનપુટનો ખર્ચ ઘટશે.
આરોગ્ય: મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં ૯૦ ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય. જેનાથી હેલ્થકેરનો ખર્ચ ઘટશે. ભારતની જેનેરિક દવાઓ માટે ૨૭ યુરોપિયન દેશોના બજારો ખુલશે.
ફાર્માસ્યુટિકલ્સ: EU ફાર્મા ઉત્પાદનો પર લાગતા ૧૧ ટકા ટેરિફને નાબૂદ કરી દેવામાં આવ્યો
વિમાન અને અંતરીક્ષ યાન: આ શ્રેણીમાં લગભગ તમામ ઉત્પાદનો પર ટેરિફ હટાવી દેવામાં આવ્યો જેથી ઉડ્ડયન અને અવકાશ ક્ષેત્રમાં થશે મોટો
ગ્રીન એનર્જી: આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને ૫૦૦ મિલિયન યુરો આપશે. ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.
ફાઈનાન્શિયલ: યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
બેન્કિંગ: મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
ઇલેક્ટ્રોનિક: આ ક્ષેત્રે ટેરિફ ઘટતા હવે મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે
સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદનો: લોખંડ, સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદનો પર શૂન્ય ટેરિફનો પ્રસ્તાવ છે. આનાથી બાંધકામ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે કાચા માલના ભાવ ઘટશે, જેનાથી ઘર બનાવવાનું કે ઔદ્યોગિક માલ ખરીદવાનું સસ્તું થશે.
ઓટોમોબાઈલ સેક્ટરમાં રાહત:
યુરોપિયન કાર: EU થી ભારતમાં આવતી લક્ઝરી કારો પર હાલ ૧૦૦ ટકાથી વધુ ટેરિફ વસૂલવામાં આવે છે જેને તબક્કાવાર ઘટાડીને માત્ર ૧૦ ટકા કરી દેવામાં આવશે, પણ તે વાર્ષિક અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી મર્સિડીઝ, BMW કે ઓડી જેવી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.
ખાવા-પીવાની વસ્તુઓ પર થશે અસર
-ઓલિવ તેલ, માર્જરિન અને અમુક વનસ્પતિ તેલ પરના ટેરિફ ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.
-યુરોપના ફળોના રસ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર ટેરિફ શૂન્ય કરી દેવાશે જેથી તેના ભાવમાં મોટો ઘટાડો આવશે.
-બિયર પર ટેરિફ ઘટાડીને ૫૦ ટકા કરી દેવામાં આવશે
-વાઈન પર ટેરિફ ઓછો, હવે માત્ર ૨૦–૩૦% ટકા જ વસૂલવામાં આવશે, જેથી યુરોપના
દેશોથી આવતો દારૂ સસ્તો થઈ જશે
-૯૦ ટકા વસ્તુઓ પર ટેરિફ સામાન્ય કરી દેવાશે
ભારતે યુરોપિયન યુનિયન માટે બજાર ખૂલ્યું મૂક્યું :
આ મઘર ઓફ ઓલ ડીલથી ભારતે યુરોપિયન યુનિયન માટે બજાર ખૂલ્યું મૂક્યું છે. યુરોપથી આવતી ૯૦ ટકા વસ્તુઓ પર ટેરિફ ઓછામાં ઓછો અથવા તો શૂન્ય ટેરિફ લાગુ પડશે. આનાથી યુરોપિયન નિકાસકારોને વાર્ષિક આશરે ૪ બિલિયન યુરોની બચત થવાનો અંદાજ છે, જેનો સીધો ફાયદો ભારતીય ગ્રાહકો અને સ્થાનિક ઉદ્યોગોને સસ્તા ભાવો અને સારા ઇનપુટ ખર્ચના રૂપમાં થવાની સંભાવના છે.
ભારતીય નિકાસકારોને થશે તગડો ફાયદો : આ વેપાર કરારથી માત્ર વસ્તુઓ સસ્તી થશે જ નહીં, પરંતુ ભારતીય કાપડ, ચામડા અને હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે એક વિશાળ યુરોપિયન બજાર પણ ખુલશે. ભારતીય કપડાં પરનો ટેરિફ નાબૂદ થવાથી ભારત બાંગ્લાદેશ અને વિયેતનામને પાછળ છોડીને ટેક્સટાઇટલમાં નંબર વન નિકાસકાર બની શકે છે.
ગુજરાતના કયા કયા ઉદ્યોગોને થશે લાભ?
-ટેક્સટાઇલ અને એપેરલ (કાપડ ઉદ્યોગ)
-કેમિકલ્સ (રસાયણો)
-ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ (દવાઓ અને તબીબી ઉપકરણો)
-એન્જિનિયરિંગ ગુડ્સ
-ઇલેક્ટ્રોનિક્સ
-જેમ્સ અને જ્વેલરી (હીરા અને ઝવેરાત)
ભારતને મળશે ૪૫૦૦ કરોડનું બજેટ : ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર આવનાર બે વર્ષમાં ભારતમાં ગ્રીન હાઉસ અને ગેસ ઉત્સર્જનની અસરોને ઓછી કરવા યુરોપિયન યુનિયન મદદ કરશે જે માટે ૫૦૦ મિલિયન યુરો એટલે કે લગભગ ૪૫૦૦ કરોડ રૂપિયાની સહયોગ EU કરશે. EU ટ્રેડમાર્ક્સ, ડિઝાઇન્સ, કોપીરાઇટ અને ટ્રેડ સિક્રેટને મજબૂત કાયદાકીય રક્ષણ મળશે, ડિજિટલ વેપાર માટે એક ખાસ વ્યવસ્થા હશે, જેથી ઓનલાઈન કારોબાર સુરક્ષિત, નિષ્પક્ષ અને ભરોસાથી ભરેલો હશે.
ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે
યુરોપના ૪૫ કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે, ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે, જેની સામે યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે, નિકાસ અને રોકાણના કારણે ભારતમાં રોજગારીની વધુ તકો ઊભી થશે, સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની ર્નિભરતા ઘટશે.
વર્ષ ૨૦૨૫માં ભારત અને યુરોપ વચ્ચે કુલ ૧૩૬.૫૩ અબજ ડોલરનો વેપાર થયો. ભારતે ૬૦.૭ અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે ૭૫.૯ અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે. ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં ૯૦ ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.
ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.