Last Updated on by Sampurna Samachar
આસામના CM હિમંતા બિસ્વાએ રાહુલ-મમતા પર સાધ્યું નિશાન
હિંદુ ધર્મ ક્યારેય ખતમ નહીં થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઔરંગઝેબનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘હિન્દુઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નહીં, પરંતુ લેફ્ટ લિબરલથી ખતરો છે.’
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોને સંબોધતી વખતે કહ્યું કે, ‘મેં કેટલાક લોકોના ભાષણ સાંભળ્યા, જેમાં તેઓ સમજે છે કે, જ્યારથી અમે બંધારણનો સ્વિકાર કર્યો, ત્યારથી ભારત વર્ષની શરૂઆત થઈ. પરંતુ એવું બિલકુલ નથી.
તમે ખતમ થઈ જશો, પરંતુ હિન્દુ ધર્મ નહીં
ભારત એક સભ્યતા છે, જે ૫૦૦૦ વર્ષ જૂની છે. ઔરંગઝેબે કસમ ખાધી હતી કે, તે હિન્દુ ધર્મને ખતમ કરશે, જોકે તે હિન્દુ ધર્મને ખતમ ન કરી શક્યો અને પોતે જ ખતમ થઈ ગયો. જો રાહુલ ગાંધી અને મમતા બેનરજી વિચારતા હોય કે, હિન્દુ ખતમ થઈ જશે, તો હું કહેવા માંગું છું કે, તમે ખતમ થઈ જશો, પરંતુ હિન્દુ ધર્મ ક્યારેય ખતમ નહીં થાય.’
તેમણે કહ્યું કે, ‘લેફ્ટ લિબરલ લોકોએ ધીમે ધીમે દેશને ઘેરી લીધો હતો, ત્યારબાદ એવા લોકોને પદ્મશ્રી મળ્યા, જેઓ ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ બોલતા હતા. ૨૦૧૪ સુધી એવું લાગતું હતું કે, હવે દેશ આગળ નહીં આવી શકે. તે વખતે એટલા બધા કૌભાંડો થયા, હિન્દુઓને કોર્ટમાં ઉભા કરી દેવાયા અને કહેવાયું કે, હિન્દુ ન બોલો સેક્યુલર બોલો… એટલું જ નહીં વડાપ્રધાને પણ એવું કહ્યું હતું કે, દેશના સંશાધનો પર માઈનોરિટીનો પ્રથમ અધિકાર રહેશે, પરંતુ યદા-યદા હી ધર્મસ્ય અને આપણી પાસે મોદી આવ્યા. હું માનતો નથી કે, હિન્દુઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી ખતરો હોય. વાસ્તવમાં આ બંને ભારતમાં લઘુમતીઓ છે. હિન્દુઓને આપણા સમાજથી જ ખતરો છે.’
હું માનું છું કે, આપણને સૌથી વધુ લેફ્ટ અને લિબરલ લોકોથી ખતરો છે, આ જે બંગાળની હાલત છે. હિન્દુઓને અહીં નબળા કરવામાં આવ્યા. મમતા બેનરજીને આ વિરાસતમાં મળ્યું છે, પરંતુ તે માટે લેફ્ટ અને લિબરલ જવાબદાર છે. આજે તે જ વિરાસતની ટ્રીટમેન્ટ તેમને મળી રહી છે. આપે હિન્દુઓને ગૌમાસ ખવડાવતા શીખવાડ્યું, પરંતુ તમે ભુલી ગયા છો કે, જો આપણા પૂર્વજોએ ગાયનું દૂધ ન પીધું હોત તો આજે આપણો જન્મ જ થયો ન હોત. હું હંમેશા માનું છું કે, જ્યારે સુધી ભારતના હિન્દુઓ સુરક્ષિત રહેશે, ત્યાં સુધી અન્ય ધર્મ પણ સુરક્ષિત રહેશે.’
તેમણે કહ્યું કે, ‘આજે કોર વોટ બેંક છે. હું નામ લેવા ઈચ્છતો નથી, પરંતુ તમે બોલશો તો હું બોલી નાખું છું. આજે આપણા દેશના મુસ્લિમો મત આપે છે, તો તેઓ શું વિચારીને મત આપે છે કે, આ વ્યક્તિ આપણા નજીકનો છે અથવા હું તેને ઓળખું છું કે નહીં. તેમને ખબર છે કે, કોને મત આપવાનો છે. હું તેમને દોષી નહીં ઠેરવું અને તેઓ જઈને બળજબરીથી વોટ આપે છે અને જો ઘરમાં કોઈ મરેલો વ્યક્તિ હોય તો તેમના નામે મત આપી દે છે.’