Last Updated on by Sampurna Samachar
પર્યટકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો
માઉન્ટ આબુ સહિત સિરોહી જિલ્લામાં ઠંડીની અસર વધશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના જાણીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ડિસેમ્બરની જોરદાર ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન ઠરી ગયું છે. જ્યાં પહેલી વાર અહીં પારો -૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. જેના બાદ તેમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો.

માઉન્ટ આબુમાં આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા. તેમાં દિવસમાં તડકો ઓછો રહેતા ઠંડી પર તેની વધારે અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ અને પશ્ચિમી વિક્ષોભની અસર રાજસ્થાનના કેટલાય જિલ્લામાં થવાથી અહીં વધારે ઠંડીની અસર દેખાવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
આબુનું હવામાન હાલમાં કાશ્મીર અને શિમલા જેવું
માઉન્ટ આબુ સહિત સિરોહી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેથી આગામી થોડા દિવસમાં ઠંડી વધારે તેજ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવા સમયે પારો માઈનસ ૩ ડિગ્રી સુધી જવાનું અનુમાન છે.
માઉન્ટ આબુમાં શિયાળો જામતા હોટલોમાં પણ હિટરની ડિમાન્ડ વધવા લાગી છે. હિટર વિનાના રૂમમાં પર્યટકો રોકાતા નથી. વળી શિયાળાના કારણે અરવલ્લીના સૌથી ઊંચા ગુરુશિખર પર પણ ઠંડી વધવાથી બપોરના સમયે જ પર્યટકોની ચહલપહલ વધારે રહે છે. પર્યટકો પણ શિયાળાનો આનંદ લેવા માટે વાદીઓમાં ચા અને મેગીનો સ્વાદ લઈ રહ્યા છે.
નખી લેક, દેલવાડા, અચલગઢ, સનસેટ પોઈન્ટ વગેરે સ્થળો પર પર્યટકો ઠંડીનો આનંદ લઈ રહ્યા છે. ઠંડી વધવાના કારણે રાતના સમયે ભેજ જામીને બરફ બની જાય છે. આ કારણે માઉન્ટ આબુના પોળો ગ્રાઉન્ડ સહિત પાર્કોમાં સવારે ઘાસ પર બરફની ચાદરનો નજારો જોવા મળી રહ્યો છે. કેટલીય જગ્યાએ તો સવારે ૯ વાગ્યા સુધી બરફ જોવા મળી રહ્યો છે. નખી લેકમાં પણ બોટ્સ પર બરફના થર જોવા મળે છે.
પાડોશી રાજ્ય ગુજરાત સહિત અલગ અલગ જગ્યાએથી આવતા પર્યટકો આ નજારાનો આનંદ ઉઠાવી રહ્યા છે. વડોદરામાંથી માઉન્ટ આબુ ફરવા આવેલા કપલે જણાવ્યું કે, આબુનું હવામાન હાલમાં કાશ્મીર અને શિમલા જેવું થઈ ગયું છે. તેઓ દર વર્ષે શિયાળામાં માઉન્ટ આબુ ફરવા આવે છે અને અહીંના હવામાન અને બરફનો આનંદ ઉઠાવતા હોય છે.