યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના સાવલી-ઉદલપુર રોડ પર ધોળેસ્વર મહાદેવ મંદિર નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. બંને યુવકો કસરિયા પુરા ગામના રહેવાસી હતા.
મળતી માહિતી અનુસાર, એક યુવક નોકરીથી ઘરે પરત જતો હતો અને બીજો સાવલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બંનેની બાઈક સામસામે અથડાઈ હતી. આ અકસ્માતના પગલે રસ્તા ઉપર લોકોના ટોળા ઊમટી પડ્યાં હતા. સાવલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં ૩૦ વર્ષીય કંચન સોલંકી અને ૨૫ વર્ષીય ભરત ચાવડાનો સમાવેશ થાય છે. એક જ ગામનાં બે યુવાનોના આકસ્મિક મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો.