Last Updated on by Sampurna Samachar
NCRB એ ભારતીય જેલ આંકડા ૨૦૨૩નો રિપોર્ટ રજૂ કર્યો
પશ્ચિમ બંગાળની જેલમાં ૨૫૭૭૪ કેદીઓ બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. NCRB એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. NCRB એ ભારતીય જેલ આંકડા ૨૦૨૩નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ ૬,૯૫૬ વિદેશી કેદીઓ છે, જેમાંથી ૨,૫૦૮ વિદેશી કેદીઓ (આશરે ૩૬ ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે.
પશ્ચિમ બંગાળની જેલમાં ૨૫૭૭૪ કેદીઓ બંધ છે. જેમાંથી ૯ ટકા વિદેશી નાગરિક છે. જેમાં સૌથી વધુ ગુનેગાર બાંગ્લાદેશના છે. પશ્ચિમ બંગાળની જેલમાં ૭૭૮ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ગુના સાબિત થઈ ચૂક્યા છે અને ૧૪૪૦ કેદીઓના કેસ ચાલી રહ્યા છે. આ સિવાય જેલમાં બંધ સૌથી વધુ વિદેશી કેદીઓની સંખ્યામાં મ્યાનમાર બીજા ક્રમે છે.
પશ્ચિમ બંગાળની એકમાત્ર મહિલા જેલમાં મહિલા કેદીની સંખ્યા વધુ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ વિશ્વની પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે લગભગ ૫,૦૦૦ કિલોમીટર સુધી ફેલાયેલી છે. તેમાંથી મોટાભાગની સરહદ પશ્ચિમ બંગાળમાં આવેલી છે. આ જ કારણ છે કે ઘણા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, અને તેમની ધરપકડ થાય છે. આ વિદેશી કેદીઓમાં ઘણી મહિલાઓ પણ સામેલ છે.
NCRB ના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળની જેલ કેદીઓથી ભરચક છે. ૨૦૨૩ સુધીમાં જેલની વસ્તી ૧૨૦ ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. રાજ્યની ૬૦ જેલોમાં ૨૧,૪૭૬ કેદીઓની ક્ષમતા છે, પરંતુ તેમાં ૨૫,૭૭૪ કેદીઓ બંધ છે.
પશ્ચિમ બંગાળની જેલ વિશે વધુ નોંધનીય બાબત જાણવા મળી છે કે, દેશની તમામ જેલ પૈકી એકમાત્ર પશ્ચિમ બંગાળની એકમાત્ર મહિલા જેલમાં મહિલા કેદીની સંખ્યા વધુ છે. જ્યાં ૧૧૦ ટકાથી વધુ કેદી મહિલા છે. કુલ ૭૯૬ મહિલા કેદીઓ છે, જેમાં ૨૦૪ વિદેશી અને ૧૨ ટ્રાન્સજેન્ડર મહિલા સમાવિષ્ટ છે.