Last Updated on by Sampurna Samachar
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
પેટ્રોલિંગ દરમિયાન મરીન ટાસ્ક ફોર્સે માત્ર વોચ જ નથી રાખી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નક્કર કામગીરી કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક સ્તરે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સીમાઓ પર તકેદારી વધારી દેવામાં આવી છે. જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા પર કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે ઘૂસણખોરીને રોકવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ‘ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને મરીન કમાન્ડોની ટીમે જિલ્લાના વિવિધ લેન્ડિંગ પોઈન્ટ્સ પર ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
મરીન ટાસ્ક ફોર્સના આ પગલાથી જામનગરનો દરિયાકાંઠો અભેદ્ય બન્યો છે.
મરીન કમાન્ડો દ્વારા જામનગરના દરિયાઈ પટ્ટી પર આવેલા અત્યંત સંવેદનશીલ ગણાતા સરમતની નાળ અને રસૂલનગર વિસ્તાર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. જેટી વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન મરીન ટાસ્ક ફોર્સે માત્ર વોચ જ નથી રાખી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નક્કર કામગીરી કરી છે. દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. શંકાસ્પદ જણાતી બોટ અને વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આતંકવાદી પ્રવૃત્તિ કે ઘૂસણખોરી માટે ઉપયોગમાં લઈ શકાય તેવી દરિયાકાંઠાની અવાવરુ જગ્યાઓ અને ખાડી વિસ્તારોનું ચેકિંગ કરાયું.
પોલીસ તંત્ર દ્વારા દરિયાકાંઠાના રહીશો અને માછીમારોને અપીલ કરવામાં આવી છે કે, જો દરિયાઈ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો. વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે જામનગર મરીન ટાસ્ક ફોર્સની આ સજ્જતા દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે.