Last Updated on by Sampurna Samachar
પોલીસકર્મીઓને ઘાયલ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના આર.એસ. પૂરામાં આવેલા કિશોર સુધાર ગૃહમાંથી બે પાકિસ્તાની નાગરિક અને એક સ્થાનિક યુવક સુરક્ષા ઘેરાવ તોડીને ભાગી ગયા હતા. ભાગતા પહેલા આ કેદીઓએ ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને તેમને ગંભીર રીતે ઘાયલ કરી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના સુધાર ગૃહમાં બંધ ત્રણ કેદીઓએ સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર અચાનક હુમલો કરી દીધો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. જેમની ઓળખ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ કુમાર તરીકે થઈ છે. પોલીસકર્મીઓને ઘાયલ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
સંભવિત ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા
પાકિસ્તાની નાગરિકો ફરાર થવાના સમાચાર મળતા જ જમ્મુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓના કાન ખડા થઈ ગયા . જમ્મુ અને આજુબાજુના સરહદી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે અને વાહનોની સઘન તલાશી થઈ રહી છે. વિશેષ ટીમ બનાવી સંભવિત ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેથી સરહદ પર ભાગતા પહેલા તેમને પકડી શકાય.