Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં ૧૫ રાજ્યોના ૫૬ શહેરોમાં છેતરપિંડી
સોનાના વધતા જતા ભાવોને લઈને ઠગ ટોળકી સક્રિય બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચધાતુના દાગીના પર સોનાનો વરખ ચડાવી દેશભરના સોની વેપારીઓને ચૂનો લગાવતી ખતરનાક બંગાળી ગેંગના બે સભ્યોને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાસેથી દબોચી લીધા હતો. આ ગેંગે અત્યાર સુધીમાં ૧૫ રાજ્યોના ૫૬ શહેરોમાં છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. સોના ચાંદીના વધતા જતા ભાવોને લઈને ઠગ ટોળકી સક્રિય બની છે.

પંચ ધાતુમાંથી બનાવેલા દાગીનાને સોનાનો વરખ ચડાવી અસલી તરીકે ગણાવી જૂનાગઢ અને કેશોદના સોની વેપારીઓ સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.કેશોદના પાલા પ્રિયમ જ્વેલર્સના માલિક નરેન્દ્ર પાલા આ ઠગાઈનો ભોગ બન્યા હતા.
૧૦ થી ૧૨ સોની વેપારીઓ ભોગ બન્યા હોવાની શક્યતા
એક બંગાળી દંપતીએ તેમની પાસેથી ૨.૬૨ લાખની બે ચેઈન અને ૨૨૦૦૦ રોકડા મેળવી બદલામાં નકલી હાર પધરાવી દીધો હતો.વેપારીને શંકા જતા તપાસ કરાવી તો હાર નકલી નીકળ્યો હતો.જૂનાગઢના ગિરિરાજ જ્વેલર્સના માલિક સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી પ્રમાણે આ ગેંગના માણસો ૩૦ ગ્રામનો હાર બનાવતા હતા જેમાં ૨૦ ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી ૧૦ ગ્રામ સોનાનો વરખ ચડાવવામાં આવતો હતો.જ્યારે તેને ઓગાળવામાં આવે ત્યારે તેમાંથી માત્ર ૩૦% જ સોનું નીકળતું હતું.

આ ગેંગના સભ્યો દંપતી બનીને જ્વેલર્સની દુકાને જતા અને વિશ્વાસમાં લઈ નકલી હાર ગીરવે મૂકી અસલી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી રફુચક્કર થઈ જતા હતા. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા.વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
જૂનાગઢ એલ સી બી એ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરું મેળવ્યું હતું.પોલીસને માહિતી મળી હતી કે આ કપલ વડોદરા આસપાસ છે જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી સ્ત્રી અને પુરુષ બંનેને પકડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું.આ માસ્ટરમાઈન્ડ દ્વારા કપલને તૈયાર નકલી દાગીના આપવામાં આવતા હતા. આ કપલને દરેક સફળ છેતરપિંડીના બદલામાં ૭,૦૦૦નું કમિશન મળતું હતું. અત્યાર સુધીની કબૂલાત મુજબ તેઓએ અંદાજે ૯૦૦ ગ્રામ જેટલા સોનાના અસલી દાગીના વેપારીઓ પાસેથી પડાવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે તપાસ ચાલુ છે.
જૂનાગઢ જિલ્લામાં જ ૧૦ થી ૧૨ સોની વેપારીઓ આ ગેંગનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.હાલમાં પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજાેશમાં ચાલી રહી છે. જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજ દ્વારા જાણ કરી છે.જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.