Last Updated on by Sampurna Samachar
મધરાતે ટાયર ફાટતાં હેલ્પલાઇન નંબર લગાવતાં કોઇ જવાબ નહીં
પચાસ કોલ કર્યા છતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહન ચાલકો અને મુસાફરોની સુરક્ષા માટે હેલ્પલાઈન નંબર ૯૮૨૫૦૨૬૦૦૦ અને ૧૦૩૩ વડોદરાના એક પરિવારની ગાડીનું મધરાતે ટાયર ફાટતાં આ બંને હેલ્પલાઈન નંબર હેલ્પલેસ સાબિત થયા હતા.
વડોદરાથી દર્પણભાઈ દોશી જ્યારે રાત્રે અગીયાર વાગ્યે વડોદરાથી અમદાવાદ તેમના સસરાને ત્યાં સામાજિક કામથી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં લગભગ રાતના ૧૧.૦૦ વાગ્યે અચાનક ટાયર ફાટતા તેમની કારને અમદાવાદ ટોલબુથથી ફક્ત સાત કિલોમીટર રોકી દેવી પડી હતી. આ સમયે આસપાસ કોઈ ન હતું.
હેલ્પલાઈન નંબર દ્વારા મદદ લેવાનું નક્કી કર્યું
તેમણે વધુ અંધારું અને વાતાવરણ વધુ અનસેફ લાગતાં અમદાવાદ સ્થિત તેમના સાસરીયાઓને પણ ફોન કર્યો હતો પરંતુ એક્સપ્રેસ વે પર જો તેમને મદદ જોઈતી હોય તો નડિયાદ ફરીને આવવું પડતું હોવાથી સમય વધુ જાય તેમ હતું. આ કારણથી દર્પણભાઈએ હેલ્પલાઈન નંબર દ્વારા મદદ લેવાનું નક્કી કર્યું. અંધારામાં એકલા પરિવારને મદદ મળી રહે તે હેતુથી દર્પણભાઈ અને તેમના પત્ની વૈશાલીબેને એક્સપ્રેસ વેના હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો હતો. પરંતુ માત્ર રિંગ જ વાગી હતી ત્યાર બાદ ૧૦૩૩ નંબર પર કોલ કર્યા પછી ઓપરેટરે તેમનું લોકેશન જાણ્યું હતું.
દર્પણભાઈને હવે એ વાતની શાંતિ હતી કે કોઈ હેલ્પલાઈન નંબર થકી આવીને મને મદદ કરશે. પરંતુ લગભગ બે કલાક સુધી કોઈ આવ્યું ન હતું. એ પછી વધુ રાતનો સમય થતાં અને બાળક વધુ આક્રંદ કરતાં દર્પણભાઈ અને વૈશાલીબેને ઉપરોક્ત નંબર પર પચાસ કોલ કર્યા છતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. લગભગ ત્રણ વાગ્યાના સુમારે દર્પણભાઈને રસ્તામાં એક અન્ય ગાડી મળતા તેમણે કામચલાઉ ટાયર બદલાવ્યું હતું. પરંતુ ફરી એ ટાયરમાં પણ ઓછી હવાને કારણે પંચર પડતાં પરિવાર વહેલી સવાર સુધી હેરાન થયું હતું. સવારે જ્યારે તેઓ પોતાના સસરાના ઘરે અમદાવાદ પહોંચ્યા ત્યારે હેલ્પલાઈન ઓપરેટરે તેમને મદદ માટે કોલ કર્યો હતો જે સાવ નિરર્થક હતો.