Last Updated on by Sampurna Samachar
ઉત્તરાખંડ હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકારનો મોટો નિર્ણય
પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP તૈયાર થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેદારનાથ નજીક રૂદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. યુકાડા (ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ) અને DGCA એ સંયુક્ત રૂપે આ ર્નિણય લીધો છે. તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર (Helicopter) સેવાઓ સ્થગિત રહેશે.

રાજ્યમાં હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP તૈયાર કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી મેળવવી અનિવાર્ય છે.
ટેક્નિકલ એક્સપર્ટની કમિટી રચવામાં આવે
મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે, ટેક્નિકલ એક્સપર્ટની એક કમિટી રચવામાં આવે. જે હેલિકોપ્ટરના સંચાલન માટે તમામ ટેક્નિકલ અને સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરી SOP તૈયાર કરશે. જે ખાતરી આપશે કે, હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને નિર્ધારિત માપદંડો અનુસાર છે.