Last Updated on by Sampurna Samachar
ટેકઓફ બાદ હેલિકોપ્ટર ગોળ-ગોળ ફરવા લાગ્યું
પાઇલટે હેલિકોપ્ટર પરનો કાબુ ગુમાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના લોસ એન્જલસના હંટીંગ્ટન બીચ પર દરિયા કિનારે ઉડતા એક હેલિકોપ્ટરે અચાનક કાબુ ગુમાવ્યો. ટેકઓફ કરતી વખતે પાઇલટે હેલિકોપ્ટર પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે ક્રેશ થયું. આ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. હેલિકોપ્ટર ક્રેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહેવાલ મુજબ, હેલિકોપ્ટર ઉડાન ભરતાની સાથે જ નિયંત્રણ બહાર થઈ ગયું. પછી તે પંખાની જેમ ગોળ-ગોળ ફરવા લાગ્યું. ત્યાર બાદ તે ઝાડ સાથે અથડાયું અને પેસિફિક કોસ્ટ હાઇવે પર ક્રેશ થયું. હેલિકોપ્ટર ક્રેશમાં અત્યાર સુધીમાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
બે લોકો અને રસ્તા પર જતા ૩ લોકો ઘાયલ થયાની માહિતી
એવું જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટરમાં બે લોકો હતા અને અન્ય ત્રણ લોકો રસ્તા પર હતા. આ ત્રણ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ભયાનક દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ વિભાગની એક સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, હંટીંગ્ટન બીચ પોલીસ વિભાગ અને હંટીંગ્ટન બીચ ફાયર વિભાગે પેસિફિક કોસ્ટ હાઇવે અને હંટીંગ્ટન સ્ટ્રીટ પર થયેલા અકસ્માતની વિગતો આપી હતી.
પોલીસે અહેવાલ આપ્યો છે કે હેલિકોપ્ટરમાં સવાર બે લોકો અને રસ્તા પર જતા ૩ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો.