Last Updated on by Sampurna Samachar
વડોદરા ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ
ટ્રાફિકમાં અનેક વખત એમ્બ્યુલન્સ ફસાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા ફતેગંજ બ્રિજના સમારકામના કારણે બ્રિજ બંધ કરાતા અહીં રસ્તો એક માર્ગીય કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ફતેગંજ બ્રિજ પર ચાલી રહેલી મેન્ટેનન્સની કામગીરીના કારણે વાહન વ્યવહાર માટે માત્ર એક માત્ર સર્વિસ રોડ ઉપલબ્ધ છે, જેના પરિણામે સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી હતી.

ખાસ કરીને ઓફિસ સમય અને અહીં આવેલી શાળા શરૂ થવા અને છૂટવાના સમયે ટ્રાફિક જામની સ્થિતિ વધુ વકરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિમાં કમાટીબાગ ખાતે રજા અને વીકએન્ડના માહોલને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા.
સ્થાનિકોની પાણી છાંટવાની અને યોગ્ય સફાઈની માંગ
સહેલાણીઓના વાહનો તેમજ શહેરના દૈનિક વાહન વ્યવહાર એક જ માર્ગ પર ભેગા થતા ટ્રાફિકનું દબાણ અનેક ગણું વધી ગયું. પરિણામે અંદાજે ત્રણ કિલોમીટર લાંબા રસ્તા પર વાહનો ધીમે ધીમે ખસતા રહ્યા હતા. કેટલાક વાહન ચાલકોને તો આટલો અંતર કાપવામાં ભારે જેમ જ ઉઠાવી હોવાનું જણાવ્યું હતું.
કેટલાક વાહન ચાલકોએ પસાર થવામાં અહીં આવેલી સોસાયટીઓ અને આંતરિક રસ્તાનો ઉપયોગ શરૂ કરતા ત્યાં પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક જામને કારણે ખાસ કરીને ફોર વ્હીલર અને હેવી મોટર વ્હીકલના વાહન ચાલકો ત્રાસી ગયા હતા.
વારંવાર એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓને પણ રસ્તો મેળવામાં મુશ્કેલી પડી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, સમારકામ જરૂરી છે, પરંતુ તેની યોગ્ય યોજના અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવી જરૂરી છે. જો પૂર્વ આયોજન સાથે ટ્રાફિક ડાયવર્ઝન અને સૂચનાઓ આપવામાં આવે તો વાહન ચાલકોને થતી મુશ્કેલી ઓછી થઈ શકે. તંત્ર દ્વારા વહેલી તકે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી રોજિંદા જીવન અને શહેરની અવરજવરને સરળ બનાવી શકાય.
ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પહેલેથી જ પરેશાન છે ત્યારે ઈએમઈ સ્કૂલ પાસે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. માર્ગ પર પડેલી માટી નિયમિત રીતે ન ઉલેચાતા વાહનો પસાર થતાં ધૂળની ભારે ડમરીઓ ઉડી રહી છે. ધૂળના કારણે આસપાસનો વિસ્તારની દ્રશ્યતા ઘટી ગઈ છે.
ખાસ કરીને બાઈક ચાલકો, સ્કૂલ જતા બાળકો અને સાયકલ ચાલકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પાણી છાંટવાની અને યોગ્ય સફાઈ કરવાની માંગ કરી છે.