Last Updated on by Sampurna Samachar
બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવી શક્યતા છે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે.
રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું
ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે ૨૭ સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જાે આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો ૨૭ થી ૨ ઓક્ટોબર સુધી વરસાદ વરસશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિવાય, બંગાળની ખાડીમાં ૨૫ સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરથી ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર વધશે. આ આગાહી મુજબ ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આ સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ યેલો એલર્ટ હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.