Last Updated on by Sampurna Samachar
૧૩ જિલ્લાઓમાં જીવનની ગતિ ઠપ્પ થઈ ગઈ
પૂર જેવી સ્થિતિ સર્જાતાં શાળાઓમાં રજા જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો દોર જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. નદી-નાળા છલકાવા માંડ્યા છે. સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. રાજસ્થાનના સવાઈ માધોપુર, જયપુર, બુંદી, ધોલપુરમાં સ્થિતિ ચિંતાજનક થઇ ગઈ છે. જ્યારે મધ્ય પ્રદેશના શિવપુરી, સાગર, વિદિશા અને ગુનામાં પૂર જેવી સ્થિતિને કારણે ચિંતા વધી ગઈ છે. બચાવ કામગીરી માટે આર્મીએ મેદાનમાં ઊતરવું પડ્યું છે.

રાજસ્થાનની ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા બંધ છલકાઈ રહ્યા છે. ધોલપુરમાં ચંબલ નદી છલકાઈ રહી છે. ચંબલ આ સમયે ખતરાના નિશાનથી ૧૧ મીટર ઉપર વહી રહી છે. ચંબલ કિનારાના ઘણા ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કેટલાક ગામોમાં ૧૦-૧૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ગામડાઓમાં હવે કોઈ નથી. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે અજમેર, જયપુર, બિકાનેર અને જોધપુર વિભાગના કેટલાક ભાગોમાં ભારે અને ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.
રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા
બીજી તરફ, મધ્ય પ્રદેશમાં એટલો ભારે વરસાદ શરૂ થયો કે ૧૩ જિલ્લાઓમાં જીવનની ગતિ ઠપ્પ થઈ ગઈ. તસવીરો બતાવે છે કે કેવી રીતે પાણીએ બધું જ ડૂબાડી દીધું છે. મુરેના, ભિંડ, ગ્વાલિયર, બુંદેલખંડ ક્ષેત્રમાં ચંબલ નદી પૂરની જેમ ઉભરાઈ રહી છે. સિંધ અને તેની ઉપનદીઓ શિવપુરી અને વિદિશામાં ગામડાઓને ડૂબાડી રહી છે. આ તે નદીઓ છે. જે પાછળથી યમુનામાં જોડાય છે અને પછી યમુના પ્રયાગરાજમાં ગંગામાં મળે છે.
નર્મદા કિનારાના વિસ્તારો પણ પૂરની ઝપેટમાં છે. નર્મદાપુર, ખંડવા, જબલપુર, ડિંડોરી અને હરદા વિસ્તારો વરસાદ અને પૂરની ઝપેટમાં છે. પૂર પછી, સેના અને અન્ય અધિકારીઓએ રાજ્યના વિવિધ જિલ્લામાંથી ૨૭ શાળાના બાળકો સહિત લગભગ ૨,૯૦૦ લોકોને બચાવ્યા છે. ભારે વરસાદને કારણે, ડિંડોરી, વિદિશા, જબલપુર, નર્મદાપુરમ, અલીરાજપુર, રાજગઢ અને બેતુલ જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.
રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે વરસાદને કારણે જયપુર, સવાઈ માધોપુર, કોટા, દૌસા, અલવર, ભરતપુર, ભીલવાડા, અજમેર, સીકર, ટોંક સહિત એક ડઝનથી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડવા લાગી છે. આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે.
બીજી તરફ, ભારે વરસાદને કારણે, સવાઈ માધોપુરના બોદલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૫૨ પર સ્થિત પુલ ધોવાઈ ગયો છે અને કોટાના ઇટાવામાં પાર્વતી નદીમાં જોરદાર પૂરને કારણે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઇટાવા-ખાટોલી પુલ પર દોઢ ફૂટ સુધી પાણી વહી રહ્યું છે, જેના કારણે કોટા-ગ્વાલિયર-શ્યોપુર રોડ પર પણ વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ભારે વરસાદને પગલે દિલ્હીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા.