Last Updated on by Sampurna Samachar
બાઈક ચાલકને લગભગ ૫ કિલોમીટર સુધી ઢસડ્યો
કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધુ હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહીસાગર જિલ્લાના મોડાસા-લુણાવાડા રોડ પર ચોંકાવનારી અને કાળજુ કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બાઈક ચાલકને અડફેટે લીધો અને તેને ૫ કિલોમીટર સુધી ઢસડતો લઈ ગયો હતો, જેના કારણે બાઈક પર સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોડાસા-લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલક કારની સામેના ભાગમાં ફસાઈ ગયો હતો. આટલું થવા છતાં, કાર ચાલકે પોતાનું વાહન રોક્યું નહોતું અને બાઈક ચાલકને તે જ હાલતમાં લગભગ ૫ કિલોમીટર સુધી ઢસડતો લઈ ગયો હતો.
સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અન્ય કાર ચાલકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આરોપીએ કાર ઊભી રાખી નહોતી. આ ભયાનક દૃશ્યને પાછળથી આવતા અન્ય એક કાર ચાલકે જોયું અને તુરંત તેનો વીડિયો બનાવી રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસ સ્ટેશનને થઈ હતી. અન્ય કાર ચાલકો અને સ્થાનિક લોકોના સતત પ્રયાસો બાદ આખરે આ બેફામ કાર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસમાં કાર ચાલકનું નામ મહેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. મહેશ પટેલ લુણાવાડા તાલુકાના કાકચ્યા ગામનો વતની છે અને તે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ ઘટનામાં બાઈક પર સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે તેમને ગોધરાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં બાકોર પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
				 
								